25 માર્ચે તાલુકા સ્વાગત કાર્યક્રમ, 27 માર્ચે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
સુરત, 05 માર્ચ (હિ.સ.)-લોકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલા ‘સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ’ અંતર્ગત સુરત જિલ્લામાં માર્ચ મહિનાના કાર્યક્રમોની તારીખ જાહેર કરવામાં આવી છે. આ મુજબ તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચ, 2026ના રોજ
25 માર્ચે તાલુકા સ્વાગત કાર્યક્રમ, 27 માર્ચે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે


સુરત, 05 માર્ચ (હિ.સ.)-લોકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલા ‘સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ’ અંતર્ગત સુરત જિલ્લામાં માર્ચ મહિનાના કાર્યક્રમોની તારીખ જાહેર કરવામાં આવી છે. આ મુજબ તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચ, 2026ના રોજ અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. 27 માર્ચ, 2026ના રોજ યોજાશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક અરજદારોએ પોતાની અરજી મહિનાની 10મી તારીખ સુધી સંબંધિત કચેરીમાં મોકલવાની રહેશે. કોર્ટ કેસ, નીતિ વિષયક તથા સર્વિસ મેટર સિવાયના પ્રશ્નો જેનો નિકાલ સંબંધિત કચેરીમાં થયો ન હોય તેવા પ્રશ્નો આ કાર્યક્રમમાં રજૂ કરી શકાય છે.

તા. 25 માર્ચે સવારે 11:૦૦ વાગ્યે યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાના વર્ગ-1ના અધિકારીઓ તાલુકા સ્તરે હાજર રહી અરજદારોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે કાર્યવાહી કરશે. આ દિવસે સુરત જિલ્લા કલેક્ટર પણ કોઈ એક તાલુકામાં હાજર રહેશે.

તાલુકા પ્રમાણે વિવિધ અધિકારીઓની હાજરી રહેશે. જેમાં મજુરા, ઉધના અને પુણા તાલુકામાં સુડા સુરતના મુખ્ય કારોબારી અધિકારી તથા નાયબ કલેક્ટર સિટી પ્રાંત (દક્ષિણ), અબ્રામા, કતારગામ અને અડાજણ તાલુકામાં પોલીસ કમિશ્નર સુરત શહેર તથા નાયબ કલેક્ટર સિટી પ્રાંત (ઉત્તર), ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં નાયબ વન સંરક્ષક (નોર્મલ) તથા નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત, કામરેજ અને પલસાણા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી તથા નાયબ કલેક્ટર કામરેજ પ્રાંત હાજર રહેશે.

આ ઉપરાંત બારડોલી, મહુવા અને અંબિકા તાલુકામાં પ્રાયોજના વહીવટદાર માંડવી તથા નાયબ કલેક્ટર બારડોલી પ્રાંત, જ્યારે માંગરોળ, માંડવી, ઉમરપાડા અને અરેઠ તાલુકામાં પોલીસ અધીક્ષક સુરત ગ્રામ્ય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને નાયબ કલેક્ટર માંડવી પ્રાંત હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળશે અને તેના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande