

પાટણ, 06 માર્ચ (હિ.સ.)પાટણના લેઉવા પાટીદાર સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત સમાજના 800થી વધુ વડીલો માટે હરિદ્વાર ખાતે ગંગા તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 21થી 27 માર્ચ દરમિયાન યોજાનારી આ યાત્રા દરમિયાન વડીલો પ્રેમનગર આશ્રમ ખાતે યોજાનારી શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરશે, જે એક વિશાળ સામાજિક તીર્થયાત્રા બની રહી છે.
યાત્રાળુઓ 19 અને 20 માર્ચે અલગ અલગ જથ્થામાં પાટણ અને ઊંઝા રેલવે સ્ટેશનેથી હરિદ્વાર માટે પ્રયાણ કરશે. યાત્રીઓને મુસાફરી દરમિયાન નાસ્તા અને ફૂડ પેકેટ સહિતની સુવિધા આપવામાં આવશે તેમજ દરેક યાત્રીને ધાર્મિક ખેસ અને ખાસ ઓળખ કાર્ડ આપવામાં આવશે. હરિદ્વારમાં ગોવર્ધન પૂજા, નંદ ઉત્સવ અને રૂકમણી વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમો સાથે ઋષિકેશ દર્શન પણ કરાવવામાં આવશે.
યાત્રાના આયોજન અંતર્ગત મુખ્ય યજમાન મહેન્દ્રભાઇ જયંતીલાલ પટેલના નિવાસ સ્થાને પત્રિકા લેખન કરવામાં આવ્યું હતું. યાત્રા પહેલાં 18 માર્ચે પાટણમાં ભવ્ય પોથી પૂજન અને પોથી યાત્રાનું આયોજન થશે, જે શ્રીઘેલિયા હનુમાનથી શરૂ થઈ સમાજના વિસ્તારોમાં ફરીને નિજ સ્થળે પરત ફરશે. ત્યારબાદ યાત્રીઓ હરિદ્વાર તીર્થયાત્રા માટે પ્રયાણ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ