
ગાંધીનગર, 06 માર્ચ (હિ.સ.) : જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ-૨૦૨૫ ના રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ પારિતોષિક યોજના અંતર્ગત મુખ્યત્વે ચાર કેટેગરીઓમાં અરજી કરી શકાશે, જેમાં નોકરી કરતા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી અપાવી થાળે પાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્લેસમેન્ટ ઓફિસર્સનો સમાવેશ થાય છે. આ તમામ કેટેગરીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો કે સંસ્થાઓ માટે લઘુત્તમ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોવી અનિવાર્ય છે.
ઉપરોક્ત કેટેગરીઓ માટેના અરજી પત્રકનો નમૂનો જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર ખાતેથી વિનામૂલ્યે મેળવી શકાશે. રસ ધરાવતા અરજદારોએ સંપૂર્ણ ભરેલું અરજી પત્રક, ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું મેડિકલ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શારીરિક ખોડ દર્શાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો અને જીવન ઝરમરની ટૂંકી વિગતો સહિતના તમામ સાધનિક દસ્તાવેજોનો આખો સેટ બે નકલમાં તૈયાર કરવાનો રહેશે. આ અરજીઓ આગામી તારીખ ૩૦/૦૩/૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પહેલો માળ, 'સી' વિંગ, સહયોગ સંકુલ, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત મોકલી આપવાની રહેશે.
અત્રે નોંધનીય છે કે,નિયત સમય મર્યાદા બાદ મળેલી અથવા અધૂરી વિગતો વાળી અરજીઓ રોજગાર કચેરી દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આ બાબતે વધુ માહિતી મેળવવા માટે અરજદારો જિલ્લા રોજગાર કચેરીનો ઇમેલ dee-gnr@gujarat.gov.in અથવા અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.n પર સંપર્ક કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ