
ભાવનગર, 06 માર્ચ (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહના અવસરે તા. 06.03.2026 (શુક્રવાર)ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ રેલવે હોસ્પિટલમાં મહિલાઓ માટે વિશેષ આરોગ્ય તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન મંડળ રેલવે હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. મનોજ કુમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ આરોગ્ય તપાસ શિબિર ખાસ કરીને મંડળની મહિલા કર્મચારીઓ તથા તેમના પરિવારની મહિલાઓને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી હતી, જેથી તેઓ પોતાની વ્યસ્ત દૈનિક જીવનશૈલી વચ્ચે પોતાના આરોગ્યની નિયમિત તપાસ અને દેખરેખ સુનિશ્ચિત કરી શકે અને સંભવિત બીમારીઓની સમયસર ઓળખ થઈ શકે.
હોસ્પિટલ પ્રશાસન મુજબ આજના સમયમાં દોડધામભરી જીવનશૈલી, તણાવપૂર્ણ કાર્ય પરિસ્થિતિ અને અનિયમિત દૈનિક વ્યવહારના કારણે ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, હૃદયરોગ, મોટાપો તેમજ સર્વાઇકલ કેન્સર જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં નિયમિત અને વાર્ષિક આરોગ્ય તપાસ આ બીમારીઓની પ્રારંભિક અવસ્થામાં ઓળખ કરીને અસરકારક સારવાર અને રોકથામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સમિતિની અધ્યક્ષા શાલિની વર્મા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓના આરોગ્ય પ્રત્યે હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલા આ પ્રશંસનીય પ્રયાસની સરાહના કરતાં જણાવ્યું કે આવા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો મહિલાઓને પોતાના આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત અને સજાગ બનવા માટે પ્રેરિત કરે છે.
ભાવનગર મંડળ રેલવે હોસ્પિટલ પ્રશાસને ભવિષ્યમાં પણ આ પ્રકારની આરોગ્ય તપાસ શિબિરો અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો નિયમિત રીતે આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેથી રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોના ઉત્તમ આરોગ્ય અને કલ્યાણને સુનિશ્ચિત કરી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ