


ગાંધીનગર, 06 માર્ચ (હિ.સ.) : કર્ણાવતી યુનિવર્સિટીના એન.એસ.એસ (NSS) વિભાગ દ્વારા યુવાનોને સમાજ સાથે જોડતી પ્રેરણાદાયી પહેલ તરીકે “Campus to Community : Phasing Field Engagement for Sustainable Impact” વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 5 માર્ચ 2026ના રોજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયો હતો.
આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે હિમાંશુ પટેલ ઉપસ્થિત રહ્યા, કે જેઓ પુંસરી ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. વર્તમાન સમયમાં મેમ્બર ઓફ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને મેમ્બર એન.એસ.એસ.સી કમિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે ફરજ બજાવે છે. હિમાંશુ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન પુંસરી ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ એક “મોડલ વિલેજ” તરીકે વિકસાવ્યું છે, જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની ગયું છે.
તેમના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે યુવાનોને સંદેશ આપ્યો કે, કેમ્પસમાં મેળવેલ જ્ઞાન અને કુશળતાને સમાજના વિકાસ માટે ઉપયોગમાં લેવું એ સમયની જરૂરિયાત છે. તેમણે NSS સ્વયંસેવકોને સમાજ સાથે જોડાઈને ગ્રામ વિકાસ, સ્વચ્છતા, શિક્ષણ અને ટેક્નોલોજી આધારિત વિકાસમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે “યુવાનો પાસે નવા વિચારો, ઊર્જા અને બદલાવ લાવવાની શક્તિ છે. જો યુવાનો સમાજ માટે કામ કરે તો દેશનો વિકાસ વધુ ઝડપથી શક્ય બને છે.”
આ કાર્યક્રમ કર્ણાવતી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. તારિક અલી સૈયદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. તથા આયોજન એન. એસ .એસ ના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અંજલી પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં એન.એસ.એસ સ્વયંસેવકો દ્વારા ઉત્તમ સંકલન અને વ્યવસ્થાપન જોવા મળ્યું, જે તેમના સમર્પણ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
કાર્યક્રમના અંતે એન.એસ.એસ. સ્વયંસેવકોમાં સમાજ માટે કંઈક નવું અને સકારાત્મક કરવાનો ઉત્સાહ સ્પષ્ટ રીતે જોવા મળ્યો. વક્તાના અનુભવ અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને સમજાયું કે સાચી શિક્ષણની અસર ત્યારે જ દેખાય છે જ્યારે યુવાનો પોતાના જ્ઞાનને સમાજના કલ્યાણ માટે ઉપયોગમાં લે છે.
કર્ણાવતી યુનિવર્સિટીની એન.એસ.એસ યુનિટ દ્વારા યોજાયેલું આ પ્રેરણાદાયી સત્ર યુવાનો માટે માત્ર વિચારવિમર્શ નહીં પરંતુ કાર્યપ્રેરણા બન્યું. આવી પહેલો દ્વારા યુવાનોમાં સામાજિક જવાબદારી, નેતૃત્વ અને રાષ્ટ્રસેવાની ભાવના વધુ મજબૂત બનશે અને તેઓ “કેમ્પસથી કોમ્યુનિટી” સુધી પરિવર્તનના સશક્ત દૂત બની આગળ વધશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ