
સુરત, 06 માર્ચ (હિ.સ.)-શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને જમીન લે વેચ નું કામ કરતા આધેડને ગતરોજ વરાછા વિસ્તારમાં એલએચ રોડ પર મારુતિ ચોક પાસે કેટલાક ઈસમોએ જમીનના તકરારમાં જીવલેણ હુમલો કર્યો હતો. કારમાં આવેલા ત્રણ થી ચાર ઈસમોએ તેમને લાકડાના ફટકા વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી આખરે ભોગ બનનાર જમીન દલાલે આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં મારુતિ ચોક પાસે આવેલ એલએચ રોડ પર તિરૂપતિ નગર સોસાયટીમાં રહેતા અશોકભાઈ નાથાભાઈ પાંચાણી ગત તારીખ 4/3/2026 ના રોજ રાત્રે 8:30 થી 9:00 વાગ્યાના અરસામાં તેમની સોસાયટીના ગેટ પાસે ઊભા હતા. આ સમયે માથાભારે ચિરાગ ભરવાડ તથા તેની સાથે બીજા બે થી ત્રણ અજાણ્યા ઈસમો આવી ગયા હતા. તેઓએ મોટા વરાછા ખાતેની જમીન બાબતે અશોકભાઈ સાથે તકરાર કરી તેમની સાથે ઝઘડો કર્યો હતો અને આ તકરારની જમીન મેટરમાં ચિરાગ ભરવાડે અશોક તારે સમાધાનમાં વચ્ચે નહીં પડવાનું તેમ કહીને લાકડાનો ધોકો મારી તેમને એકટીવા પરથી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ આજે તો તને જીવતો રહેવા દેવો નથી, આજે તો તમે પતાવી જ દેવો છે તેમ કહીને લાકડાનો ધોકા વડે તમામ ભેગા મળી ઉપરા છાપરી માર માર્યો હતો. જેમાં અશોકભાઈ ને બંને પગ, છાતી તથા બરડામાં, બંને હાથ ઉપર લાકડાના ફટકા વડે માર મારી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો. જેને કારણે અશોકભાઈ ના બંને પગમાં ફેક્ચર થઈ જવા પામ્યું હતું. ગંભીર ઈજા પહોંચાડી ચિરાગ ભરવાડ તથા તેની સાથેના અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે અશોકભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે