
સુરત, 06 માર્ચ (હિ.સ.)-સુરતના મહિધરપુરા હીરાબજારમાં એક હીરા વેપારી સાથે ₹6.62 લાખની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. હરિયાણાના એક વેપારીએ 15 દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનો વિશ્વાસ આપીને ડાયમંડ અને હીરા જડિત જવેલરી ખરીદી લીધી હતી, પરંતુ નક્કી સમય બાદ પણ પેમેન્ટ ન કરતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી માહિતી મુજબ, ડભોલી સ્થિત રોસ્કો બિલ્ડિંગમાં રહેતા ક્રીષા જીતેન્દ્રકુમાર જસાણી (ઉંમર 23) મહિધરપુરા હીરાબજારના ન્યુ ડીટીસી કોમ્પ્લેક્ષમાં ભાગીદારીમાં હીરાની પેઢી ચલાવે છે. તેમની પાસે હરિયાણાના ગુરુગ્રામ, સેક્ટર-32, એલ.આઈ.જી કોલોનીમાં આવેલી જે.કે. જૈન ફર્મના વેપારી અમન જૈનએ ગત 3 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન 15 દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનો વિશ્વાસ આપી ₹6.62 લાખના ડાયમંડ અને હીરા જડિત જવેલરી ખરીદી હતી.
નક્કી કરેલ સમયમર્યાદામાં અમન જૈન દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું. જ્યારે ક્રીષા જસાણીએ પેમેન્ટ માટે ઉઘરાણી શરૂ કરી ત્યારે શરૂઆતમાં અમન જૈને ટૂંક સમયમાં રૂપિયા આપી દેવાના વાયદા કર્યા હતા, પરંતુ બાદમાં તેણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો.
આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ભાન થતા ક્રીષા જસાણીએ ગત રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે