




અધિકારીઓ મનમાની બંધ કરે, પદાધિકારીઓને પૂછ્યા વગર કરેલા આયોજન રદ કરો
મોટો નિર્ણય ઈકો સેન્સીટીવ ઝોન માટેના 35 કરોડના કામોનું આયોજન રદ કરી નવેસરથી કરવા આદેશ
હવે ભ્રષ્ટાચાર નહીં ચાલે અને બેદરકારી રાખશો તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે
ભરૂચ 06 માર્ચ (હિ.સ.) નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે આજે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને 'દિશા' (ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી) ની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદે અધિકારીઓની કાર્યશૈલી સામે નારાજગી વ્યક્ત કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટાયેલા પદાધિકારીઓને અંધારામાં રાખીને કરવામાં આવતા વહીવટી નિર્ણયો ચલાવી લેવામાં આવશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર હાઈલાઈટ્સ: બેઠકના મહત્વના મુદ્દાઓ
પીએમ મોદીએ જેનું ખાતમુહૂર્ત કર્યું તે કામો કેમ અટક્યા? માલ સામોટ અને સગાઈ વિસ્તારના બ્રિજ તેમજ જીતગઢ-જુનારાજ રસ્તાના કામો ફોરેસ્ટ વિભાગના કારણે અટક્યા હોવાનું સામે આવતા સાંસદે કલેક્ટર અને ડીએફઓને સંકલન કરી તત્કાલ કામ શરૂ કરવા સૂચના આપી.
35 કરોડનું આયોજન રદ: ઈકો સેન્સીટીવ ઝોનમાં આવતા ગામો માટે સરકારે 35 કરોડની માતબાર રકમ ફાળવી છે. પરંતુ અધિકારીઓએ પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે કરેલું આયોજન સાંસદે રદ કરાવી નવેસરથી જનહિતમાં આયોજન કરવા આદેશ આપ્યો છે.
કુપોષણ અને શિક્ષણ પર ફોકસ: જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવા અને જર્જરિત શાળાઓના સ્થાને નવા ઓરડા બનાવી શિક્ષણનું સ્તર સુધારવા માટે ખાસ અભિયાન ચલાવવા તાકીદ કરી.
વિકસિત ભારત @2047 ના વિઝન સાથે કામ કરવા સૂચના
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ નર્મદા જિલ્લામાં વિકાસની ગતિ તેજ થવી જોઈએ. ખાસ કરીને બોર્ડર વિલેજ ડેવલપમેન્ટ અને આદિ આદર્શ ગામ યોજના હેઠળના કામોમાં કોઈપણ પ્રકારની ગુણવત્તા સાથે બાંધછોડ વગર સમયમર્યાદામાં પૂર્ણ થવા જોઈએ.
બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસીંગ તડવી, નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ સહિત માર્ગ-મકાન અને ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
જિલ્લાના વિકાસમાં વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચેનું સંકલન અનિવાર્ય છે. સાંસદની આ કડક સૂચના બાદ હવે જોવાનું એ રહે છે કે નર્મદાના છેવાડાના ગામોના અટકેલા રસ્તા અને બ્રિજના કામો કેટલી ઝડપે શરૂ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ