
સુરત, 06 માર્ચ (હિ.સ.) : શહેરના પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલ સાથે સંકળાયેલા ડોક્ટરની કાર દ્વારા સર્જાયેલા અકસ્માતને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 1 ટેમ્પો અને 3 બાઈક સહિત કુલ 4 વાહનો અડફેટે આવ્યા હતા, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ મોડી રાત્રે અંદાજે 11 વાગ્યાના અરસામાં હોન્ડા કંપનીની WR-V કાર (નંબર GJ 19 AM 8976) ચલાવતા ડૉ. વિરલકાંત નલિનકાંત ચૌધરી (ઉંમર 39, રહે. ભાઠા ગામ, પાલ) બ્રિજ પરથી ઉતરતા સમયે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી બેઠા હતા. પરિણામે તેમની કાર બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનો સાથે ધડાકાભેર અથડાઈ હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડૉ. ચૌધરી લાઈફ લાઈન હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. તેઓ 5 માર્ચ, 2026ના રોજ સાંજે સુદીપ હોસ્પિટલ ખાતે લાંબી સર્જરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત બન્યો હતો.
આ ઘટનામાં હિમ્મતભાઈ બોરીચા, ભાવીકબેન ચુડાસમા, પારૂલબેન રાઠોડ, મનીષાબેન રાઠોડ અને પ્રકાશસિંગ ઈજાગ્રસ્ત થયા હતા. તમામને તાત્કાલિક મૈત્રી, સિવિલ અને સાયોના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અકસ્માત સમયે ડોક્ટર નશાની હાલતમાં નહોતા. વધુ ખાતરી માટે તેમનું મેડિકલ પરીક્ષણ પણ કરાયું હતું. ડોક્ટરના જણાવ્યા મુજબ, લાંબી સર્જરી બાદ અતિશય થાકને કારણે બ્રિજ ઉતરતી વખતે તેમને અચાનક ઝોકું આવી ગયું હતું, જેના કારણે ગભરાટમાં બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
પાલ પોલીસે ડોક્ટરની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે