ગાંધીનગર રોજગાર કચેરી અને BSFની નવી પહેલ: ગુજરાતી યુવાનો માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દીની સુવર્ણ તક
- ગુજરાતના યુવાનોને દેશની રક્ષા કાજે સજ્જ કરવા અને રોજગારી મેળવવામાં પથદર્શક સાબિત થઈ રહી છે નિ:શુલ્ક સંરક્ષણ તાલીમ - ૬ બેચના ૧૮૦ યુવાનોએ લીધી તાલીમ: ૩૬ યુવાનો બી.એસ.એફ., ગુજરાત પોલીસ તથા અગ્નિવીર પરીક્ષામાં થયા ઉત્તીર્ણ ગાંધીનગર, 06 માર્ચ (હિ.સ.
ગાંધીનગર રોજગાર કચેરી અને BSFની નવી પહેલ


ગાંધીનગર રોજગાર કચેરી અને BSFની નવી પહેલ


- ગુજરાતના યુવાનોને દેશની રક્ષા કાજે સજ્જ કરવા અને રોજગારી મેળવવામાં પથદર્શક સાબિત થઈ રહી છે નિ:શુલ્ક સંરક્ષણ તાલીમ

- ૬ બેચના ૧૮૦ યુવાનોએ લીધી તાલીમ: ૩૬ યુવાનો બી.એસ.એફ., ગુજરાત પોલીસ તથા અગ્નિવીર પરીક્ષામાં થયા ઉત્તીર્ણ

ગાંધીનગર, 06 માર્ચ (હિ.સ.) : ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ગુજરાતના યુવાનો માટે સંરક્ષણ અને પોલીસ દળમાં જોડાઈ કારકિર્દી બનાવવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરી સુવર્ણ તક પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને સીમા સુરક્ષા બળ (BSF) સાથે મળીને શરૂ કરવામાં આવેલી ૩૦ દિવસીય નિઃશુલ્ક રહેવા-જમવા સાથેની તાલીમ શિબિર યુવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. આ નવી પહેલ ગુજરાતના યુવાનોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી રહી છે.

ગુજરાતના સાહસિક યુવાનો જેઓ દેશસેવા કરવા માંગે છે અને સંરક્ષણ ક્ષેત્રે (Defence & Police) પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે, તેમના માટે ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવી રહી છે. આધુનિક સમયની જરૂરિયાતો અને ભરતીના કડક માપદંડોને ધ્યાનમાં રાખીને, જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર અને સીમા સુરક્ષા બળ (BSF), ગાંધીનગરના સંયુક્ત પ્રયાસોથી સંરક્ષણ માટે યુવાનોની વિશેષ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પહેલનો મુખ્ય હેતુ ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના યુવાનોને આર્મી, BSF, CRPF, અને ગુજરાત પોલીસ જેવી સુરક્ષા સંસ્થાઓની ભરતી પ્રક્રિયા માટે શારીરિક અને માનસિક રીતે સજ્જ કરવાનો છે. ઘણીવાર યુવાનોમાં ક્ષમતા હોવા છતાં યોગ્ય માર્ગદર્શન અને તાલીમના અભાવે તેઓ પસંદગી પામી શકતા નથી. યુવાનોની આ મુશ્કેલીના નિરાકરણ સ્વરૂપે આ નિઃશુલ્ક તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ સુધીમાં આ સંયુક્ત પહેલ હેઠળ કુલ ૬ બેચના ૧૮૦ તાલીમાર્થીઓએ તાલીમ મેળવી છે. આ તાલીમનું ગૌરવશાળી પરિણામ જોવા મળ્યું છે.તાલીમ મેળવ્યા બાદ બી.એસ.એફ.ની ભરતીમાં ૧૨, ગુજરાત પોલીસની ભરતીમાં ૧૭ યુવાનોએ શારિરીક કસોટી અને અગ્નિવીર ભરતીમાં ૭ યુવાનોએ પ્રાથમિક કસોટી ઉત્તીર્ણ કરવામાં સફળતા મેળવી છે.

ગાંધીનગર સ્થિત BSF કેમ્પસ ખાતે નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવતા તેમનામાં તાલીમ અંગે નવો અભિગમ કેળવાયો છે. આ તાલીમમાં ૩૦ દિવસ દરમ્યાન દોડ, કૂદ અને અન્ય શારીરિક કસોટીઓ માટે BSFના અનુભવી જવાનો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે.

લેખિત પરીક્ષાની તૈયારી માટે સંરક્ષણ દળોની પરીક્ષામાં પૂછાતા સામાન્ય જ્ઞાન, ગણિત અને તાર્કિક કસોટીઓ (Reasoning), ભૂગોળ વગેરે વિષય માટે વિશેષ કોચિંગ પણ આપવામાં આવે છે. સમગ્ર તાલીમ દરમિયાન યુવાનો માટે સંરક્ષણ દળમાં જરૂરી શિસ્ત, સમયપાલન અને આત્મવિશ્વાસ વધારવા માટેનું વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે. ભરતી પહેલાં જરૂરી મેડિકલ ધોરણો વિશે પણ યુવાનોને જાગૃત કરવામાં આવે છે.

આ તાલીમ અંગે મૂળ ભાવનગરના વતની અને તાલીમાર્થી કિશન જાડેલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર રોજગાર કચેરી દ્વારા ગુજરાતના યુવાનો માટે BSF ગાંધીનગર ખાતે ૩૦ દિવસની રહેવા-જમવા સાથેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં અમને નવાઈ લાગી હતી, તેમજ ૩૦ દિવસની તાલીમનો ખર્ચ પણ મોટો હશે તેમ વિચાર આવતો હતો, પરંતુ જ્યારે અમને જાણવા મળ્યું કે, આ તાલીમ સંપૂર્ણ નિઃશુલ્ક છે અને માત્ર જીવનજરૂરી સામાન જ સાથે લાવવાનો છે, ત્યારે અમે તેમાં જોડાયા હતા.

આ તાલીમ દરમિયાન અમને આર્મી અને પેરા-મિલિટરી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળ્યું. ખાસ કરીને દોડવાની વૈજ્ઞાનિક પદ્ધતિ, ટેકનિક અને શારીરિક તાલીમ વિશે ઊંડાણપૂર્વક શીખવા મળ્યું. સૌથી મોટો ફાયદો 'ટાઈમ મેનેજમેન્ટ'માં થયો, જેમાં સવારની ફિઝિકલ ટ્રેનિંગથી લઈને સાંજ સુધીના વાંચન અને અન્ય પ્રવૃત્તિઓનું યોગ્ય સંચાલન શીખવા મળ્યું. આ ઉત્તમ તક બદલ તેમણે ગુજરાત સરકાર, ગાંધીનગર રોજગાર કચેરી અને BSF હેડક્વાર્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ સાથે અન્ય તાલીમાર્થી મયુરભાઈ પરમારે પણ તાલીમની ઉપયોગીતા અને તાલીમ દરમિયાનના વાતાવરણ વિશે જણાવતાં કહ્યું હતું કે, મને અગાઉથી આર્મીમાં જોડાવવાની ઇચ્છા હતી જે માટે તૈયારી પણ કરતો હતો પરંતુ તેના વિશે સંપૂર્ણ માર્ગદર્શન અને પદ્ધતિસરનું પ્રશિક્ષણ મને અહીં આવીને મળ્યું છે. અહીં અમને હેલ્ધી ડાયટ સાથે અમારી તાલીમ માટે વિશેષ બે થી ત્રણ ટ્રેનર પણ આપવામાં આવ્યા છે. જે અમને શારીરિક તેમજ લેખિત પરીક્ષાની પદ્ધતિસરની તાલીમ આપે છે. સરકાર દ્વારા અમને અહીં ટ્રેકસૂટ, શૂઝ, મોજાનો તાલીમ ગણવેશ અને નિ:શુલ્ક રહેવા જમવા સહિત પ્રતિદિન રૂ.૧૦૦ લેખે કુલ ૩૦૦૦ સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવ્યું છે. હું અગાઉ પણ આ માટે તૈયારી કરતો હતો પરંતુ અહીં આવ્યા બાદ પદ્ધતિસરની તાલીમ લેતા દોડની પરીક્ષામાં ખૂબ ઓછી મિનિટમાં પાસ થયો છું. આ તાલીમ થકી જ હાલમાં હું અગ્નિવીર અને ગુજરાત પોલીસની પરીક્ષાઓમાં શારીરિક કસોટીમાં પણ ઉત્તીર્ણ થયો છું, જે બદલ હું ગુજરાત સરકારનો ખૂબ આભારી છું.

આ તાલીમ પૂર્ણ કર્યા બાદ યુવાનોમાં નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. આ પ્રકારની તાલીમ યુવાનોને માત્ર નોકરી જ નહીં, પરંતુ એક સશક્ત નાગરિક અને દેશભક્ત બનવાની તક પૂરી પાડે છે. આ શિબિરો ગુજરાતના છેવાડાના યુવાનોને દેશની રક્ષા કાજે તૈયાર કરવામાં અને રોજગારી મેળવવામાં પથદર્શક સાબિત થઈ રહી છે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારોએ ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અથવા ઓનલાઇન પોર્ટલ (અનુબંધમ અથવા રોજગાર સેતુ) દ્વારા નોંધણી કરાવવાની રહેશે. ધોરણ 12 પાસ હોય તેવા આશાસ્પદ યુવાનો જેમની વયમર્યાદા ભરતીના નિયમો મુજબ હોય (સામાન્ય રીતે 18 થી 23-25 વર્ષ) તેવા ગુજરાતના કાયમી વતનીઓને આ તાલીમમાં જોડાઈ શકે છે.

આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર યુવાનોને રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. તાલીમાર્થીઓએ માત્ર પોતાના પહેરવાના કપડાં અને પથારી જેવી પાયાની જરૂરિયાતનો સામાન જ સાથે લાવવાનો હોય છે, બાકીનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande