
પાટણ, 06 માર્ચ (હિ.સ.)પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.) એ રાધનપુરના પટ્ટણી દરવાજા નજીક અરમાન શોપિંગ સેન્ટરમાં દરોડો પાડી ઇલિયાસ મહંમદ હનીફ હુક્કા નામના નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. આરોપી કોઈ પણ માન્ય તબીબી ડિગ્રી કે લાયસન્સ વગર ‘હાર્ડવૈદ (કમાલપુરવાળા)’ નામે દવાખાનું ચલાવી લોકોને સારવાર આપતો હતો.
ખાનગી બાતમીના આધારે S.O.G.ની ટીમે સ્થાનિક આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર વિજય ભરવાડ અને ફાર્માસિસ્ટ અનિલભાઈને સાથે રાખી પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દવાખાનું ચાર દુકાનોમાં ફેલાયેલું હોવાનું બહાર આવ્યું, જેમાં રિસેપ્શન, વેટિંગ એરિયા અને ત્રણ બેડ સાથેના અલગ રૂમ બનાવવામાં આવ્યા હતા.
સ્થળ પરથી એક્સ-રે મશીન, ડિજિટલ એક્સ-રે રીડર, કોમ્પ્યુટેડ રેડિયોગ્રાફી સિસ્ટમ, પ્રિન્ટર સહિત વિવિધ મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેણે માત્ર ધોરણ-7 સુધી અભ્યાસ કર્યો છે અને તેની પાસે કોઈ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ નથી, છતાં તે દરરોજ 50થી70 જેટલા દર્દીઓને સારવાર આપતો હતો.
પોલીસે દવાઓ, મેડિકલ સાધનો, સીસીટીવી ડીવીઆર અને નોંધપોથીઓ સહિત કુલ 5.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એ.એસ.આઈ. શૈલેષકુમારની ફરિયાદના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે બી.એન.એસ.ની વિવિધ કલમો તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ