

મહેસાણા, 06 માર્ચ (હિ.સ.) : બેચરાજી ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આજે આરોગ્ય સેવાઓ માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. અહીં સૌપ્રથમ વખત LSCS (સીઝેરિયન) ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત બની છે. આ સફળ કામગીરીથી હવે બેચરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી ગર્ભવતી મહિલાઓને સીઝેરિયન ડિલિવરી માટે દૂરની મોટી હોસ્પિટલોમાં જવાની જરૂર રહેશે નહીં.
બેચરાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને 20થી વધુ નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે. આ કેન્દ્રમાં બેચરાજી ઉપરાંત આજુબાજુના વિસ્તારો તેમજ અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાના અનેક લાભાર્થીઓ આરોગ્ય સેવાઓ માટે આવે છે. હવે અહીં સીઝેરિયન ઓપરેશનની સુવિધા શરૂ થતા સ્થાનિક સ્તરે જ સુરક્ષિત માતૃત્વ સેવા ઉપલબ્ધ બનશે. આ સફળતા પાછળ આરોગ્ય વિભાગની ટીમ, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમની મહેનત અને સમર્પણના કારણે આ કામગીરી સફળ બની છે.
આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ જિલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન અને સહયોગ બદલ પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ વધુ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ લોકોને ઉપલબ્ધ કરાવવા માટે આરોગ્ય વિભાગ પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR