
મહેસાણા, 06 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વસાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુકરવાડા રેલ્વે સ્ટેશન નજીક વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા બે ઇસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) મહેસાણાની ટીમે ઝડપી પાડી કુલ રૂ. 13,140 નો મુદામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા જુગાર અને પ્રોહિબિશન વિરોધી અભિયાનના ભાગરૂપે કરવામાં આવી હતી.
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીની આગેવાનીમાં ટીમ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે કુકરવાડા રેલ્વે સ્ટેશન નજીક બાવળની ઝાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ઠાકોર જયંતીજી નેનાજી તરસંગજી (ઉ.વ. 65, રહે. કુકરવાડા સ્ટેશનપુરા, તા. વિજાપુર) અને પિયુષકુમાર રમેશજી લક્ષ્મણજી ઠાકોર (ઉ.વ. 32, રહે. કુકરવાડા વિજયનગર, તા. વિજાપુર) વરલી મટકાનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમના પાસેથી સ્લીપબુક, બોલપેન તેમજ રૂ. 13,140 ની રોકડ રકમ કબજે કરી હતી.
પકડાયેલ બંને ઇસમો વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12(અ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR