

મહેસાણા, 06 માર્ચ (હિ.સ.) : ઊંઝા તાલુકાના શીહી, સુણક, ડાભી, સુરજનગર, સુરપુરા, પળી, નવાપુરા, કંથરાવી, પ્રતાપગઢ/લક્ષ્મીપુરા, ઉનાવા, ઐઠોર તથા લક્ષ્મીપુરા (ઐઠોર) ગામોની મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલ સાથે મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે ગામોના નવનિયુક્ત સરપંચો સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા વિવિધ સમસ્યાઓ અને વિકાસલક્ષી રજૂઆતો સાંસદ સમક્ષ રજુ કરવામાં આવી હતી. સાંસદ હરિભાઈ પટેલે ગ્રામજનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી અને શક્ય તેટલી ઝડપથી પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે તેમણે નવનિયુક્ત સરપંચોને ગામના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરવા અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને પહોંચાડવા પ્રેરણા આપી હતી.
આ પ્રવાસ દરમિયાન મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી ઉજમભાઈ પરમાર, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી યોગેશભાઈ પટેલ તથા રાહુલજી ઠાકોર, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, ડાહ્યાલાલ પટેલ (ફૌજી), મહેન્દ્રભાઈ ચૌધરી, તાલુકા કોષાધ્યક્ષ અશ્વીનજી ઠાકોર તેમજ ઊંઝા તાલુકા મન કી બાત ઇન્ચાર્જ સતીષભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR