

મહેસાણા, 06 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સીપોર ગામ ખાતે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે નોન મિશન અંતર્ગત જિલ્લા અંદરની એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહત્વ, તેની પદ્ધતિઓ તેમજ તેનાથી થતા આર્થિક લાભ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આજના સમયમાં વધતી જતી રાસાયણિક ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટી રહી છે અને ખાદ્ય પદાર્થોમાં પણ ઝેરી તત્વોનું પ્રમાણ વધતું જાય છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એક સારો વિકલ્પ બની શકે છે, જે જમીનની ઉપજ ક્ષમતા જાળવવા સાથે ઝેરમુક્ત અને આરોગ્યપ્રદ આહાર મેળવવામાં મદદરૂપ બને છે.
આ કાર્યક્રમ દરમિયાન વિસ્તરણ અધિકારી જે.આર. ચૌહાણ, ગ્રામ સેવક એસ.સી. ગોસાઈ અને ડી.કે. પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત તેમજ પ્રાકૃતિક કીટનાશક બનાવવાની પદ્ધતિઓ વિશે પણ માહિતી આપી હતી. તાલીમમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લઈ પ્રાકૃતિક ખેતીની નવી પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી અને આ પદ્ધતિ અપનાવી ખેતીમાં ખર્ચ ઘટાડીને વધુ આવક મેળવવાની દિશામાં રસ દર્શાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR