
જામનગર, 06 માર્ચ (હિ.સ.) :
જામનગર અદાલતના પરિસરમાં બાર એસો.ના હોલમાં આજે તા.6 માર્ચના રોજ યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 23 સભ્યોને ચુંટવા માટે ચુંટણીનું મતદાન યોજાયું છે. જેમાં બાર કાઉન્સિલની ચુંટણીની ગાઈડલાઈન મુજબ બાર કાઉન્સિલના આવેલા ઓબ્ઝર્વર્સ અને પોલીંગ ઓફીસરોની દેખરેખ હેઠળ વોટીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
દર પાંચ વર્ષે આવતી બાર કાઉન્સિલની આ વર્ષે આજે યોજાયેલી ચુંટણીમાં કાઉન્સિલની કારોબારીના 23 સભ્યોની બેઠકો માટે જામનગરના પાંચ સહિત કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. નિયમ મુજબ પ્રચાર કાર્ય સંપન્ન થયા બાદ આજે જામનગર બાર એસોસિએશનના હોલ ખાતે 99 ઉમેદવારો માટે કુલ નોંધાયેલા 1834 મતદારો સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધીની નિયત સમય મર્યાદામાં મતદાન માટે ઉપસ્થિત રહેશે.
આ પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે સંપન્ન થાય તે માટે મુખ્ય પોલીંગ ઓફીસર તરીકે એડવોકેટ કિશોરભાઈ ડી.ચૌહાણ તેમજ મદદનીશ પોલીંગ ઓફીસરો તરીકે મયૂરભાઈ ભટ્ટ, નરેન્દ્રસિંહ સોઢા, ભાવેશભાઈ ધ્રુવ, કિશોરભાઈ મકવાણા, મિહિર નંદા, ભરતગીરી ગોસાઈ, ઈશાકભાઈ કુરેશી, ગિરિશભાઈ સરવૈયા નિયુક્ત થયા છે.
બાર કાઉન્સિલ તરફથી નિયુક્ત થયેલા ઓબ્ઝર્વરોની દેખરેખ હેઠળ સમગ્ર પક્રિયા સંપન્ન થયા બાદ મતપેટી સાથે ઓબ્ઝર્વરો રવાના થશે. વકીલ આલમમાં આ ચુંટણીના મતદાનને લઈને ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો છે અને સવારે 10.30 વાગ્યાથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt