
જામનગર, 11 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં બાસ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી યુવાનનું બ્લોક થયેલુ જીએસટી એકાઉન્ટ ઓપન કરાવી દેવાના નામે જામનગર આમ આદમી પાર્ટીના હોદેદાર એવા વકીલ સહિતના બે વ્યક્તિઓએ રૂ.60 લાખનો ખેલ પાડયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓએ આઈ.ટી.સી. (ઈનપુટ ટેક્ષ ક્રેડીટ) પેટે ફરિયાદી પાસેથી જીએસટી વિભાગને રૂ.1.57 કરોડ રીટર્ન કરાવી એકાઉન્ટ શરૂ કરાવી દીધા બાદ ફરિયાદીએ પોતાના જીએસટી એકાઉન્ટમાં જમાં કરવા માટે આપેલા રૂ. 60 લાખ રૂપિયા જમાં કરવાને બદલે ઓળવી ગયાની ફરિયાદ બાદ પોલીસે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જામનગરના રણજીત સાગર રોડ, પટેલ પાર્ક, શેરી નં. 11માં રહેતા મુળ પીપરટોડા ગામના વતની અને કલ્પ એન્ટરપ્રાઇઝ નામથી બાસ સ્ક્રેપનો વ્યવસાય કરતા ભાવેશભાઈ અમૃતભાઈ તરાવિયા નામના બાસ પાર્ટના ધંધાર્થીએ વિશ્વાસઘાત મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રકાશ ધીરૂભાઈ દોંગા અને જગદીશ રમેશભાઈ રામોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા અનુસાર ફરિયાદીને તા.17/09/2025ના રોજ જી.એસ.ટીની નોટીસ બાદ 23 વ્યવહારની 6 કરોડ ઉપરાંતની રકમ ભરવાના બાકી હોવાથી જીએસટી એકાઉન્ટ બ્લોક થયું હતું.
આ મુદ્દે ફરિયાદીએ આરોપી જગદીશને વાત કરતા તેને પ્રકાશ દોંગાનો ભેટો કરાવ્યો હતો. બાદમાં પ્રકાશ દોંગાએ ફરિયાદીને કહ્યું કે, તમારી મેટર પુરી કરવા જી.એસ.ટી. એકાઉન્ટમાં પડેલા આઈ.ટી.સી. (ઈનપુટ ટેક્ષ ક્રેડીટ) આશરે રૂ.1.57 કરોડ રીટર્ન કરવાનુ રહેશે અને બીજા છલાખનુ જી.એસ.ટી.માં ચલણ ભરવાનુ રહેશે અને કહ્યું કે, પ્રથમ 6 લાખ ચલણથી ભરી દે અને બીજા રૂ. 60 લાખ હું કહુ તે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે હું તારા અકાઉન્ટમાં જમા કરાવી આપીશ. ત્યાર બાદ ફરિયાદીએ કહેલી માતબર રકમ તેને આપી હતી.
પરંતુ મુદ્દતમાં ચુકવણીના અભાવે ફરિયાદીનું જીએસટી એકાઉન્ટ ફરી સસ્પેન્ડ થયું હતું. જેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પ્રકાશને જીએસટી એકાઉન્ટમાં જમા કરવા માટે આપેલા રૂ.60 લાખ તેણે એકાઉન્ટમાં જમા કરવાને બદલે પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હતા. જેને લઈને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે પોલીસે તત્કાલિક બંનેની ધરપકડ કરી લીધા બાદ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા બાદ હાલ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt