કચ્છમાં પોલીસનો કડક પ્રહાર: કાર સાથે વિદેશી-દેશી દારૂનો જથ્થો જપ્ત, એક આરોપી ઝડપી
કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર પર લગામ કસવા માટે પધ્ધર પોલીસે ફરી એકવાર અસરકારક કાર્યવાહી કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશન કાયદાનો કડક અમલ થાય તે
Daru


કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર પર લગામ કસવા માટે પધ્ધર પોલીસે ફરી એકવાર અસરકારક કાર્યવાહી કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશન કાયદાનો કડક અમલ થાય તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુન્ડા અને નાયબ પોલીસ અધિક્ષક ડો. વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ પધ્ધર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.ડી. ખાંટે ટીમોને સક્રિય બનાવી ખાસ અભિયાન શરૂ કર્યું હતું.

આ અભિયાન દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક અલ્ટો કારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને દેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તરત જ કાર્યવાહી કરી ચકાર-કોટડા માર્ગ પરથી વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બોટલો તથા મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જ રાજદિપસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ (ઉંમર ૨૯, રહેવાસી કુકમા) ને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ ક્રિપાલસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

જપ્ત કરાયેલ મુદ્દામાલ:

વિદેશી દારૂ (Jubilee Special Whisky) – ૩૭ ક્વાર્ટર (અંદાજિત કિંમત ₹7,400)

દેશી દારૂ – ૫૪ લીટર (કિંમત ₹10,800)

અલ્ટો કાર (GJ 06 EQ 1417) – કિંમત ₹1,00,000

મોબાઈલ ફોન – કિંમત ₹5,000

કુલ જપ્ત મુદ્દામાલની કિંમત અંદાજે ₹1.23 લાખ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેના કારણે તે રીપીટ ઓફેન્ડર હોવાનું સ્પષ્ટ થાય છે.

આ સમગ્ર કાર્યવાહી પધ્ધર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કૃષ્ણદેવસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ ભાર્ગવભાઈ ચૌધરી અને કોન્સ્ટેબલ બળદેવભાઈ રબારી સહિતની ટીમે સફળતાપૂર્વક અંજામ આપી હતી.

પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ દારૂના ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે એવી ખાતરી આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande