
જામનગર, 11 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે મોડી સાંજે ૬૪ બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ પછી તમામ ઉમેદવારોને આજે સવારે શહેર ભાજપ કાર્યાલયમાં બોલાવાયા હતા. અને તમામને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ આપી જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપ્યું હતું.
આ પછી તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થયા હતા. આ સમયે રાજ્યના મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પ્રભારી ધનસુખ ભંડેરી સહિતના સંગઠનના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ ૧૬ વોર્ડના કુલ ૬૪ ઉમેદવારો પોતાની ચાર-ચારની પેનલમાં ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા હતાં અને ઉમેદવારી પત્રો રજુ કર્યા હતાં.
મહત્વનું છે કે, જામનગરના ગાંધીનગર રોડ ખાતે આવેલા વિશ્વકર્મા બાગમાં ગત રાત્રિના 12.00 વાગ્યાથી જ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા.
આ તકે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા,મૃગેશ દવે, ભાવેશ ઠુમર અને શહેર ભાજપના અન્ય હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉમેદવારી પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે ભાજપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 130થી વધુ એડવોકેટ્સની ટીમ તહેનાત રાખવામાં આવી હતી, જેમણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં જરૂરી કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમજ તમામ 16 વોર્ડ માટે અલગ-અલગ ટેબલો ગોઠવીને ઉમેદવારોને ક્રમબદ્ધ રીતે ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રિના સમયે પણ કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આખી પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનથી ભાજપની ચૂંટણી તૈયારીઓની ગંભીરતા અને સુવ્યવસ્થિત અભિગમ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt