
જામનગર, 11 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ગઈકાલે સત્તાવાર રીતે 16 વોર્ડ માટે 64 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
આ યાદીમાં પક્ષ દ્વારા જ્ઞાતિવાઈસ સમીકરણ (સામાજિક અને જાતિ આધારિત સંતુલન)ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વિવિધ સમાજના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હોવાનું પાર્ટી સૂત્રોએ જણાવ્યું છે.
ભાજપે મહિલાઓને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું છે, સાથે સાથે લઘુમતી, પાટીદાર, કાઠીયાવાડી ક્ષત્રિય, ઓબીસી તથા અન્ય સમાજોને પણ સંતુલિત રીતે સ્થાન આપવામાં આવ્યું છે.
ખાસ કરીને કેટલાક વોર્ડોમાં મુસ્લિમ સમાજના ઉમેદવારોને સ્થાન આપીને લઘુમતી વિસ્તારોમાં પકકડ મજબૂત કરવાની વ્યૂહરચના અપનાવવામાં આવી છે. બીજી તરફ, જાડેજા, રાણા, ઝાલા, મકવાણા, કટારીયા, કણજારીયા, નકુમ, કુરેશી, લાલવાણી, જોષી જેવા વિવિધ સમાજોના ઉમેદવારોને સ્થાન મળતા ભાજપે સર્વસમાવેશક અભિગમ દાખવ્યો છે.
દરેક વોર્ડમાં ચાર બેઠકો માટે ઉમેદવારો જાહેર થતા શહેરના રાજકીય માહોલમાં ચહલપહલ જોવા મળી રહી છે. ઉમેદવારોની જાહેરાત બાદ હવે તમામ પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને વધુ ગતિ આપવામાં આવશે.
ભાજપના આ જ્ઞાતિવાઈસ સમીકરણ આધારિત ઉમેદવાર પસંદગીનો પ્રભાવ મતદાન પર કેટલો પડે છે તે હવે ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ થશે. ભાજપે જાહેર કરેલી 64 ઉમેદવારોની યાદીના સર્વેક્ષણ મુજબ સૌથી વધુ ટીકીટ રાજપૂત સમાજને ફાળે ગઇ છે. તેથી કહી શકાય કે ઉમેદવારોની પસંદગીમાં જામનગરના ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણમંત્રી રિવાબા જાડેજાનું રાજકીય કદ વધ્યું છે.
આ ઉપરાંત જ્ઞાતિ કે સમાજ પ્રમાણે ટીકીટની ફાળવણીની વાત કરીએ તો બ્રાહ્મણ સમાજને પાંચ, પટેલ સમાજને છ, આહિર સમાજને ચાર, ભાનુશાળી જ્ઞાતિને પાંચ, સતવારા જ્ઞાતિને પાંચ, લોહાણા જ્ઞાતિને બે, કોળી જ્ઞાતિને બે, ભોઇ જ્ઞાતિને બે તેમજ ખવાસ, કડિયા, સિંધી, પ્રજાપતિ, દરજી જ્ઞાતિને એક-એક ટીકીટ આપી છે.
આશ્ચર્યની વાત એ છે કે, શહેર ભાજપના અધ્યક્ષ બિનાબેન કોઠારી હોવા છતાં જૈન સમાજને એકમાત્ર બેઠક વોર્ડ નં.માં મળી છે. આ વોર્ડમાં ભૂતકાળમાં જૈન સમાજના બે ઉમેદવારો અનેક વખત ટીકીટ મેળવીને કોર્પોરેટર બની ચુક્યાં છે. આ ઉપરાંત મહાજન સમાજને એક ટીકીટ આપવામાં આવી છે. દલિત સમાજને પાંચ ટીકીટ આપવામાં આવી છે. જ્યારે મુસ્લિમ સમાજને છ ટીકીટ ફાળવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt