સુરતમાં નામાંકન દિવસે તણાવ: મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ
સુરત, 11 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરના વોર્ડ નંબર 14 (માતાવાડી-કરંજ)માં નામાંકનના અંતિમ દિવસે અચાનક નાટ્યાત્મક ઘટના બની, જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડેએ કલેક્ટર કચેરીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. અન્ય ઉમેદવારો ફોર્મ ભરવામાં વ
Surat


સુરત, 11 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરના વોર્ડ નંબર 14 (માતાવાડી-કરંજ)માં નામાંકનના અંતિમ દિવસે અચાનક નાટ્યાત્મક ઘટના બની, જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડેએ કલેક્ટર કચેરીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. અન્ય ઉમેદવારો ફોર્મ ભરવામાં વ્યસ્ત હતા ત્યારે તેમણે ફિનાઈલ પી લીધું, જેના કારણે સ્થળ પર હડકંપ મચી ગયો. તરત જ સુરક્ષા કર્મચારીઓએ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, મતદાર યાદીમાં રહેલી ભૂલને કારણે ગૌશાલીબેન પોતાનું નામાંકન ફોર્મ ભરી શક્યા નહોતા. તેમણે આ મુદ્દે ચૂંટણી પંચના નિયમો અને ટેકનિકલ ખામીઓને જવાબદાર ગણાવ્યા. તેમના કહેવા પ્રમાણે, પાર્ટીએ તેમને સત્તાવાર મંજૂરી આપી હતી, પરંતુ નિયમ મુજબ સમયસર સુધારો ન થઈ શકતાં તેમની ઉમેદવારી અટકી ગઈ, જેના કારણે તેઓ માનસિક રીતે તણાવમાં આવી ગયા હતા.

આ ઘટનાની વચ્ચે કલેક્ટર કચેરીમાં રાજકીય માહોલ પણ તંગ બન્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા અને ગોપાલ ઇટાલિયા નામાંકન માટે પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર હતા. ગોપાલ ઇટાલિયાની હાજરીમાં ભાજપ કાર્યકરોએ ‘મોદી-મોદી’ સહિતના નારા લગાવ્યા, જેના જવાબમાં ‘આપ’ના કાર્યકરોએ પણ ‘ઝાડુ’ અને ‘પરિવર્તન’ના સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ઉગ્ર બનાવ્યું.

બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને માનવ સાંકળ બનાવી પરિસ્થિતિને કાબૂમાં લીધી. અંતે બંને પક્ષોના નેતાઓએ કાર્યકરોને શાંત પાડી, શિસ્ત જાળવવા અપીલ કરી. પોલીસ બંદોબસ્ત વચ્ચે નામાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, પરંતુ આ ઘટનાએ સુરતની ચૂંટણીમાં વધતી રાજકીય ગરમાહટનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande