
નવસારી, 11 એપ્રિલ (હિ.સ.) : નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે 48 પર શનિવારે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધોળાપીપળા બ્રિજ નજીક એક બાઈક ઊભેલી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી, જેના કારણે સ્થળ પર જ બે યુવાનોના દુખદ મૃત્યુ થયા હતા, જ્યારે એક અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, GJ 36 V 2192 નંબરની ટ્રક બ્રિજ પર ઉભી હતી. એ દરમિયાન પાછળથી આવી રહેલી GJ 21 P 9497 નંબરની બાઈકના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા ટ્રકના પાછળના ભાગે અથડામણ થઈ. ટક્કર એટલી તીવ્ર હતી કે બાઈક સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત બની ગઈ અને સવાર બંને યુવાનોને જીવલેણ ઈજાઓ પહોંચી.
આ અકસ્માતમાં 20 વર્ષીય કુર્તાથ નિલેશભાઈ હળપતિ અને 19 વર્ષીય ધ્રુવીક મહેશભાઈ પટેલના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 23 વર્ષીય નિલેશ બાબુભાઈ હળપતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલુ છે.
ઘટનાની જાણ થતાં વેસ્મા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે ઝડપથી નિયંત્રિત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે