
નવી દિલ્હી, 11 એપ્રિલઃ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભાના અધ્યક્ષે, મહાત્મા જ્યોતિરાવ ફુલેની 200મી જન્મજયંતી નિમિત્તે પ્રેરણા સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
લોકસભા સચિવાલય અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વિરેન્દ્ર કુમાર, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કાયદા અને ન્યાય અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલ, સંસદ સભ્યો, પૂર્વ સાંસદો, લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ અને અન્ય મહાનુભાવોએ આજે સંસદ ભવન સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે મહાત્મા જ્યોતિરાવ ફુલેને તેમની 200મી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મહાત્મા ફુલે તરીકે જાણીતા, મહાત્મા જ્યોતિરાવ ફુલે 19મી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારકોમાંના એક હતા. તેમણે સામાજિક અને આર્થિક અસમાનતાઓને દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું અને ગરીબો, ખેડૂતો અને સમાજના અન્ય વંચિત વર્ગોના ઉત્થાન માટે અવિરતપણે કામ કર્યું.
તેમણે શોષણને રોકવા અને ભેદભાવપૂર્ણ પ્રથાઓના પીડિતોને મુક્ત કરવાના હેતુથી 1873માં 'સત્યશોધક સમાજ' ની સ્થાપના કરી હતી. તેઓ પ્રારંભિક વિચારકોમાંના એક હતા જેમણે કૃષિ, ખેડૂતોના કલ્યાણ અને ખેડૂતો માટે વૈજ્ઞાનિક શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
મહાત્મા જ્યોતિરાવ ફુલે 1876 થી 1882 સુધી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય હતા અને ગરીબો અને દલિતોની મુક્તિમાં તેમના યોગદાન બદલ 1888 માં તેમને મહાત્મા અને બુકર ટી. વોશિંગ્ટન ઓફ ઇન્ડિયા ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસદ ભવન સંકુલમાં સ્થાપિત મહાત્મા જ્યોતિરાવ ફુલેની 12 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા, જેનું નિર્માણ રામ વી. સુતાર દ્વારા કરવામાં આવ્યું હતું અને 3 ડિસેમ્બર 2003ના રોજ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું, તે હાલમાં સંકુલની અંદર પ્રેરણા સ્થળ પર છે.
હિન્દુસ્થાન સમાચાર /અનુપ શર્મા/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ