





પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરમા સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈ હાલ રાજકારણ ગરમાયુ છે. ખાસ કરીને ભાજપ દ્વારા અંતિમ ઘડી સુધી યાદી જાહેર નહિં થતા ભારે સસ્પેન્સ સર્જાયુ હતુ જોકે ભાજપ દ્રારા મોડી સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી હતી જેને પગલે કહિ ખુશી કહિ ગમ જેવો મહોલ જોવા મળ્યો હતો. યાદી જાહેર થયા બાદ અનેક સમાજના લોકો નારાજ ગયા હતા અને પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સમક્ષ રજુઆત કરવા દોડી ગયા હતા. ભાજપ દ્રારા મહાનગરપાલિકામા નવા ચહેરાને તક આપવામા આવી છે. નારાજગીનો વિરોધ પક્ષ લાભ ન લઇ શકે તેના ભાગરૂપે અંતિમ ઘડી સુધી ઉમેદવારોની યાદી જાહેર કરી ન હોવાનુ કહેવાય છે.
યાદી જાહેર થયા બાદ કેટલાક સમાજના આગેવાનોએ સોશ્યલ મિડીયામા પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો તો આજે શનિવારે રઘુવંશી સમાજ, કોળી સમાજ, રાણા સમાજ અને રાજપુત સમાજના લોકોએ નારાજગી વ્યકત કરી હતી અને પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સમક્ષ રજુઆત કરી હતી. હાલ ભાજપ દ્રારા નારાજગીને ખાળનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya