
મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ અસરકારક કામગીરી કરી ચોરીના ત્રણ મોટર સાયકલ સાથે એક ઇસમ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી હેઠળ કુલ રૂ. 83,000 ના મુદ્દામાલનો કબજો લેવાયો છે.
માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS) ના માર્ગદર્શન હેઠળ મિલ્કત વિરુદ્ધના ગુનાઓ રોકવા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. તે અન્વયે PI એસ.આર.ચૌધરીના નેતૃત્વમાં એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગ દરમિયાન નુગર સર્કલ નજીક બાયપાસ રોડ પરથી શંકાસ્પદ રીતે પસાર થતાં બે વ્યક્તિઓને અટકાવી તપાસ કરી હતી.
તપાસ દરમિયાન આરોપી સંજુભા ભોલુભા રંગીતસિંહ ઝાલા (ઉ.વ. 19, રહે. દેત્રોજ, અમદાવાદ) તથા સાથેના બાળકિશોર પાસેથી નંબર પ્લેટ વગરના મોટર સાયકલ મળી આવ્યા હતા. પુછપરછમાં તેમણે ગોઝારીયા, મીઠા ચોકડી અને પલીયડ વિસ્તારમાંથી અલગ અલગ સમયે મોટર સાયકલ ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.
પોલીસે ત્રણેય બાઇક કબ્જે કરી આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR