
વલસાડ , 11 એપ્રિલ (હિ.સ.) વલસાડ સીટી પોલીસ દ્વારા પ્રોહિબિશન મામલે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ટાટા કંપનીના કન્ટેનરમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ, તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્મા અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા ના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સ્વાદ હોટલ સામે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન મુંબઇથી સુરત જતું ટાટા કંપનીનું કન્ટેનર નંબર GJ-15-AV-8475 રોકી તપાસ કરતા તેમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ વ્હિસ્કી તથા ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કુલ 275 બોક્સમાં રહેલી 11,184 બોટલ/ટીન (કુલ 2658.240 લીટર) વિદેશી દારૂ, જેની કિંમત રૂ. 19,33,248 ગણાય છે, સાથે કન્ટેનર (રૂ. 8,00,000) અને એક મોબાઇલ ફોન (રૂ. 5,000) સહિત કુલ રૂ. 27,38,248 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે।
આ મામલે કન્ટેનર ચાલક ફરીદશાહ મુન્સીશાહ (ઉંમર 38, રહે. શેન્ધવા, જી. બડવાની, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. બી.એચ. રાઠોડ, એ.એસ.આઈ સુનીલભાઈ, એ.એસ.આઈ ઇશ્વરભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ, ભરતભાઈ, ભાવેશભાઈ અને રાહુલભાઈ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha