
કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : મુંદરા શહેર અને તાલુકા સમસ્ત જૈન સમાજ દ્વારા યોજાયેલ પ્રથમ ઐતિહાસિક સ્નેહ મિલન સમારોહ ભવ્યતા અને એકતાના અનોખા દૃશ્યો સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. મુંદરા શહેર સહિત તાલુકાના ૩૩ ગામોમાંથી ૧૫૦૦થી વધુ જ્ઞાતિજનો એકત્રિત થયા હતા, જેને કારણે સમગ્ર કાર્યક્રમ મહોત્સવમાં પરિવર્તિત થયો હતો. આ અવસર માત્ર મિલનનો જ નહીં, પરંતુ સમાજની સંગઠન શક્તિ મજબૂત બનાવવાનો અને સામાજિક કાર્યો માટે સક્રિય થવાનો સંકલ્પનો સાક્ષી બન્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સમાજ માટે ભવિષ્યમાં ઉપયોગી બને તેવા ભવ્ય અતિથિ ભવનના નિર્માણનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત ગણાઈ રહી છે.
સમારોહના અધ્યક્ષસ્થાને રહેલા વિજયભાઈ છેડાએ કાર્યક્રમની સુવ્યવસ્થિત આયોજન અને કાર્યકર્તાઓની મહેનતને દિલથી બિરદાવી હતી. તેમણે સમાજના હિત માટે હંમેશા સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. સાથે જ વિદેશમાં વસતા જૈનોને ‘જૈના’ માધ્યમથી જોડીને વધુ મજબૂત નેટવર્ક ઉભું કરવાની વાત પણ કરી હતી.
આ પ્રસંગે અદાણી પોર્ટના સીઈઓ રક્ષિતભાઈ સાહેબે ઉપસ્થિત જનસમૂહ જોઈ ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે કાર્યકર્તાઓના પ્રયાસોને બિરદાવતા સમગ્ર મંચ અને હાજર જ્ઞાતિજનોને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ઉપરાંત સમાજના કોઈપણ હિતકારક કાર્ય માટે અદાણી ગ્રુપ હંમેશા તૈયાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ભોગીલાલ મહેતા, કોમલભાઈ છેડા, રાજેશભાઈ કુબડીયા, અનિલભાઈ ખોના અને શાંતિલાલભાઈ સાવલાએ સમાજને સંગઠિત રાખવાના પ્રયાસોને વધાવી લીધા હતા અને તમામ પ્રકારના સહકારની ખાતરી આપી હતી. કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ પણ પ્રેરણાદાયી સંબોધન કરીને સમાજસેવા માટે સતત સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી.
કાર્યક્રમની શરૂઆત નિશાબેન સંઘવી અને ટીમ દ્વારા સંગીતમય પ્રસ્તુતિ સાથે થઈ હતી. ત્યારબાદ જીગરભાઈ છેડાએ કાર્યક્રમનો હેતુ અને મહત્વ ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યો હતો. મહેમાનોનું પરંપરાગત રીતે શાલ, પાઘડી અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ છેડાએ સુંદર રીતે નિભાવ્યું હતું, જ્યારે આભારવિધિ જયંતીભાઈ મામણિયાએ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સમાજના દાતાશ્રીઓ અને સહયોગીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સમાજના કાર્યકરોને સોંપવામાં આવેલી નવી જવાબદારીઓનું પણ ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. મુંદરા તાલુકાના ૬૨ ગામોમાંથી એકમાત્ર જૈન સરપંચ નેહાબેન મુકેશ શેઠીયાનું વિશેષ સન્માન પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
વિશાળ સંખ્યામાં મહાનુભાવો, કાર્યકરો અને પત્રકારોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો. ગામે ગામથી લોકો આવી શકે તે માટે ખાસ વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ૧૨૫થી વધુ કાર્યકરોના સતત ૧૫ દિવસના પરિશ્રમ અને યુવાનોના ઉત્સાહથી આ આયોજન સફળ બન્યું હતું.
સાંજે શક્તિનગરથી સુરભી ગાર્ડન સુધી જૈન સમાજનું વિશાળ માનવ મહેરામણ ઉમટ્યું હતું, જે સમાજની એકતા અને ભાવનાત્મક જોડાણનું જીવંત દૃશ્ય હતું.
આ સમગ્ર આયોજનમાં અનેક જાણીતા-અજાણી વ્યક્તિઓ અને સંસ્થાઓએ સહકાર આપ્યો હતો. સ્થળ વ્યવસ્થા, ભોજન, સજાવટ અને લાઈવ પ્રસારણ સહિત દરેક વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે સંભાળવામાં આવી હતી, જેના માટે આયોજકો દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સ્નેહ મિલન સમારોહ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ મુંદરા જૈન સમાજ માટે એક નવી દિશા, નવી ઉર્જા અને એકતાનો મજબૂત સંદેશ આપતો ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar