
વોશિંગ્ટન, નવી દિલ્હી, 14 એપ્રિલ (હિ.સ.) યુ. એસ. નૌકાદળે હોર્મુઝની સામુદ્રધુની સહિત તમામ ઈરાની બંદરોની નાકાબંધીની અસર દેખાવા લાગી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામની નિષ્ફળતા અને ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ મંત્રણાને લઈને કડક વલણ અપનાવ્યું છે. તેમણે તમામ ઈરાની બંદરોની નાકાબંધીની જાહેરાત કરી હતી અને ધમકી આપી હતી કે, જો આ વિસ્તારમાં કોઈ પણ ઈરાની જહાજ પહોંચશે તો તે ડૂબી જશે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈરાનનું હઠીલું વલણ નરમ પડ્યું છે. ટ્રમ્પ તેનાથી ખુશ છે. બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે હવે આવતીકાલે (ગુરુવાર) વાતચીત થઈ શકે છે.
અલ જઝીરા અને ફોક્સ ન્યૂઝના અહેવાલો અનુસાર, ટ્રમ્પે કહ્યું કે, ઈરાને વાટાઘાટો માટે આતુરતા વ્યક્ત કરી છે. ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે પણ કહ્યું કે, બોલ ઈરાનના હાથમાં છે. હવે, અલબત્ત, એક મોટો સોદો થઈ શકે છે. ઈસ્લામાબાદમાં અમેરિકાએ ઈરાનને 20 વર્ષ માટે યુરેનિયમ સંવર્ધન પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જવાબમાં ઈરાને સોમવારે વળતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આમાં તેમણે કહ્યું કે તેઓ 20 વર્ષની નહીં પણ પાંચ વર્ષની ઓફર સ્વીકારવા તૈયાર છે.
જો અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેથી મધ્યસ્થી કરનારા દેશોએ ફરીથી પ્રયાસ કરવાનું શરૂ કર્યું છે. એક મધ્યસ્થીના રાજદ્વારીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની વાટાઘાટો ગુરુવારે યુદ્ધવિરામ દરમિયાન ફરી શરૂ થઈ શકે છે. આ બાબતથી વાકેફ અધિકારીઓનું કહેવું છે કે વાટાઘાટોનો ઉદ્દેશ 21 એપ્રિલે યુદ્ધવિરામની મુદત પૂરી થાય તે પહેલાં સમાધાન સુધી પહોંચવાનો છે. રાજદ્વારીએ ધ્યાન દોર્યું કે તેહરાન અને વોશિંગ્ટન વાટાઘાટો કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે આ વાતચીતમાં સમાન સ્તરનું પ્રતિનિધિમંડળ સામેલ થશે કે નહીં. પાકિસ્તાનને ફરીથી સંભવિત યજમાન તરીકે વિચારણા હેઠળ મૂકવામાં આવ્યું છે, જ્યારે જીનીવા પણ ચર્ચા હેઠળ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ વેન્સે સોમવારે જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદમાં ઈરાન સાથે વાટાઘાટો પૂરી થઈ ત્યારથી બોલ ઈરાનના કોર્ટમાં છે. હવે આગળનું પગલું તેહરાનનું છે. તેમણે કહ્યું કે, અમેરિકી પ્રતિનિધિમંડળે વાટાઘાટોમાંથી પીછેહઠ કરી કારણ કે ઈરાની વાટાઘાટકારો પાસે સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાનો અધિકાર નથી. હવે કોઈપણ પ્રગતિ તેહરાનના નેતૃત્વની મંજૂરી પર નિર્ભર રહેશે.
વેન્સે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે સામાન્ય સંબંધો રાખવા તૈયાર છે. તેમણે કહ્યું, યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે જો ઈરાન સાથે સામાન્ય દેશની જેમ વ્યવહાર કરી શકાય, જો તેની અર્થવ્યવસ્થા સામાન્ય થઈ શકે અને જો તેના લોકો ખુશ અને સમૃદ્ધ થઈ શકે તો તેઓ ખૂબ જ ખુશ થશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, ઈરાને સામાન્ય દેશ બનવા માટે પરમાણુ હથિયારનું સપનું છોડવું પડશે. બ્રિટનના નાયબ વડા પ્રધાન ડેવિડ લેમ્મીએ મંગળવારે વોશિંગ્ટનમાં ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે, ઈરાનમાં યુદ્ધવિરામ ચાલુ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રશિયાએ પણ આ કેસમાં રસ દાખવ્યો છે. ક્રેમલિને સોમવારે કહ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંભવિત સોદાના ભાગરૂપે ઈરાનના સમૃદ્ધ યુરેનિયમને સ્વીકારવાનો રશિયાનો પ્રસ્તાવ હજુ પણ ખુલ્લો છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું, આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ પુતિને અમેરિકા અને પ્રાદેશિક દેશો બંને સાથે વાતચીતમાં રજૂ કર્યો હતો. પ્રસ્તાવ હજુ પણ છે, પરંતુ તેના પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
એવું પણ જાણવા મળ્યું છે કે, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને લેબનોનમાં યુએસ એમ્બેસેડર મંગળવારે વોશિંગ્ટનમાં ઇઝરાયેલ અને લેબનોનના રાજદૂતો સાથે વાતચીત કરવા માટે મળવાના છે. વિદેશ વિભાગના એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, 1993 પછી ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે આ પ્રકારની આ પ્રથમ બેઠક હશે. તાજેતરના સપ્તાહોમાં આ વિસ્તારમાં તણાવ વધ્યો છે. 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર યુ. એસ.-ઇઝરાયેલી હુમલા પછી, હિઝબુલ્લાહ ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા શરૂ કરવામાં ઈરાન સાથે જોડાયો છે. અધિકારીએ એ વાતની પણ પુષ્ટિ કરી હતી કે વિદેશ વિભાગના સલાહકાર માઈકલ નીધમ આ ચર્ચાઓમાં સામેલ થશે.
હિન્દુસ્થાન ન્યૂઝ/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ