
તેહરાન, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) અમેરિકન નૌકાદળની નાકાબંધીને ઈરાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન માને છે અને જો આ નાકાબંધી હટાવવામાં નહીં આવે તો ઈરાન હોર્મુઝની જલડમરુંમધ્ય ફરીથી બંધ કરી દેશે. થોડા કલાકો પહેલા શુક્રવારે ઈરાનના વિદેશ મંત્રીએ લેબનાન યુદ્ધવિરામના સમયગાળા દરમિયાન વ્યાપારી જહાજો માટે હોર્મુઝની જલડમરુંમધ્યમાંથી અવરજવર ખોલવાની જાહેરાત કરી હતી.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરઘચીએ શુક્રવારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, લેબનાન સંબંધિત યુદ્ધવિરામના સમયગાળા દરમિયાન વ્યાપારી જહાજો માટે હોર્મુઝની જલડમરુંમધ્યમાંથી અવરજવર સંપૂર્ણપણે ખુલ્લી છે. અરઘચીએ જણાવ્યું કે, જહાજો ઈરાનના બંદર અને દરિયાઈ સંગઠન દ્વારા સંકલિત માર્ગોનું પાલન કરશે.
તેમણે એક્સ સંદેશમાં લખ્યું - લેબનાનમાં યુદ્ધવિરામને ધ્યાનમાં રાખીને ઈરાનના બંદર અને દરિયાઈ સંગઠન દ્વારા અગાઉ જાહેર કરાયેલા સંકલિત માર્ગ પર, યુદ્ધવિરામના બાકીના સમયગાળા માટે હોર્મુઝની જલડમરુંમધ્યમાંથી તમામ વ્યાપારી જહાજો માટે અવરજવર સંપૂર્ણપણે ખુલ્લી જાહેર કરવામાં આવી છે.
લેબનાનમાં યુદ્ધવિરામ પછી ઈરાને 3 શરતો સાથે જલડમરુંમધ્ય ફરીથી ખોલી દીધી છે. જેમાં પ્રથમ શરત એ છે કે, જહાજો વ્યાપારી હોવા જોઈએ. લશ્કરી જહાજોની અવરજવર પ્રતિબંધિત છે અને ન તો જહાજો કે ન તો તેમના માલસામાનનો કોઈ શત્રુ દેશ સાથે કોઈ સંબંધ હોવો જોઈએ. જહાજોએ ઈરાન દ્વારા નિર્ધારિત માર્ગો પરથી પસાર થવું પડશે અને અવરજવરનું સંકલન માર્ગ વ્યવસ્થાપન માટે જવાબદાર ઈરાની દળો સાથે કરવું જોઈએ.
ઈરાનની આ જાહેરાત બાદ ઈરાન ઈન્ટરનેશનલે આઈઆરજીસી સાથે સંલગ્ન ફાર્સ ન્યૂઝને ટાંકીને જણાવ્યું છે કે, ઈરાન અમેરિકન નૌકાદળની નાકાબંધીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન માને છે અને જો નાકાબંધી હટાવવામાં નહીં આવે તો હોર્મુઝની જલડમરુંમધ્ય ફરીથી બંધ કરી દેવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ