
સુરત, 15 એપ્રિલ (હિ.સ.): ઘર કંકાસ અને ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે ત્રીજી વ્યક્તિના પ્રવેશને કારણે ભાંગતા પરિવારોને બચાવવામાં પણ 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને કારણે માનસિક રીતે ભાંગી પડેલી મહિલાએ અભયમની મદદ માંગતા ટીમે સમયસૂચકતા અને સમજાવટથી કામ લઇ પરિવારને તૂટતા બચાવ્યો હતો.
વાત એમ છે કે, એક બારડોલી તાલુકાની એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી પતિનું અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે સતત માનસિક યાતના અનુભવતા હોવાનું અને પતિ વારંવાર તેમની સાથે ઝગડો કરતા હોવાથી લગ્નજીવન તૂટવાની કગાર પર પહોંચ્યું છે જણાવી મદદ કરવા 181 અભયમની મદદ માગી હતી.
અભયમની બારડોલી ટીમે તાત્કાલિક દર્શાવેલા સ્થળે પહોંચી હતી અને પતિ-પત્ની બંનેને મળી કાઉન્સેલિંગ કર્યું હતું. ધાગા કટિંગનું કામ કરતી પરિણીતાએ જણાવ્યું કે, તેમના લગ્નને ૧૬ વર્ષ પૂર્ણ થયા છે પાંચ સંતાનો છે. પતિને એક અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ છે, જેના કારણે પતિ દરરોજ નાની-મોટી બાબતોને લઈને ઝગડો કરે છે, ગાળો બોલે છે અને હાથ પણ ઉઠાવે છે. સાથે જ પતિ પરિવાર પ્રત્યેની જવાબદારી નિભાવતા નથી તેમજ ઘરખર્ચ માટે જરૂરી પૈસા પણ આપતા નથી, જેના કારણે મહિલાને ઘર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વધુમાં મહિલાએ વ્યથા જણાવી કે, પતિ અન્ય સ્ત્રીના કહેવા મુજબ વર્તે છે, જેના કારણે પરિવારનું વાતાવરણ વધુ તંગ બન્યું છે. સતત અવગણના અને માનસિક ત્રાસના કારણે જીવન જીવવું દુષ્કર બન્યું છે.
181 હેલ્પલાઇને દંપતિનું અસરકારક કાઉન્સેલિંગ કરી બંનેને સમજાવ્યું કે, આવા વિવાદોની સીધી અસર બાળકોના ભવિષ્ય પર પડી શકે છે. લગ્નેતર સંબંધો માત્ર એક પરિવાર જ નહીં, પણ બાળકોનું ભવિષ્ય અને સામાજિક પ્રતિષ્ઠા પણ રોળે છે. સાથે જ કાયદાકીય જોગવાઈઓ અને પત્નીના અધિકારો વિશે માર્ગદર્શન પણ આપતા પીડિતાના પતિએ ભૂલ સ્વીકારી હતી અને તેણે તે સ્ત્રી સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અને પત્ની સાથે સુખેથી રહેવાની ખાતરી આપી હતી. હવે આગળથી પોતાના ઘર-પરિવાર પર ધ્યાન આપશે, પોતાની જવાબદારીઓ નિભાવશે તેમજ ઘર ખર્ચ માટે નિયમિત પૈસા આપશે તેવી લેખિત બાહેંધરી આપી હતી.
અભયમની દરમિયાનગીરીથી દંપતિએ પરસ્પર સમજૂતીથી દાંપત્યજીવનને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. આમ, એક હસતો-ખેલતો પરિવાર વિખેરતા બચી ગયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે