

પોરબંદર, 15 એપ્રિલ (હિ.સ.)દર વર્ષે 14 મી એપ્રિલના દિવસની સમગ્ર દેશમાં “અગ્નિશામક સેવા દિન” તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો ઈતિહાસ 1944ના મુંબઈ ડોકયાર્ડમાં થયેલી ભયંકર દુર્ઘટનાથી જોડાયેલો છે, જેમાં “એસ.એસ. ફોર્ટ સ્ટાઈકીન” નામના બ્રિટિશ માલવાહક જહાજમાં વિસ્ફોટક સામગ્રી અને જ્વલનશીલ માલ ભરેલો હોવાને કારણે ભયંકર આગ અને વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં મુંબઈ ફાયર બ્રિગેડના 66 બહાદુર જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપી લોકોના જાન-માલની રક્ષા કરી હતી, તેમજ 300 થી વધુ નિર્દોષ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આવી કરુણ ઘટનાની યાદમાં તથા દેશભરના અગ્નિશામક જવાનોના પરાક્રમ અને બલિદાનને સન્માન આપવા ભારત સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. આ અવસરે પોરબંદર ફાયર એન્ડ ઇમરજન્સીસ સર્વિસીસ વિભાગ દ્વારા શહેરમાં ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. ત્યારબાદ ફાયર વિભાગના ઇમરજન્સી વાહનો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી દરમિયાન આગથી બચાવ, સુરક્ષા ઉપાયો, આગ લાગ્યે કરવાના તાત્કાલિક પગલા અને ફાયર સર્વિસની મહત્વતા વિશે જનતા વચ્ચે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો દ્વારા નાગરિકોને આગ જેવી આપત્તિ સમયે સતર્ક રહેવા અને યોગ્ય પગલા લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અગ્નિશામક જવાનો દિવસ-રાત પોતાની ફરજ બજાવતા રહીને લોકોના જીવન અને સંપત્તિની રક્ષા કરે છે, અને આવા દિવસો દ્વારા તેમના પરાક્રમ અને બલિદાનને યાદ કરવાથી સમાજમાં સુરક્ષાની ભાવના મજબૂત બને છે. અંતમાં તમામ ઉપસ્થિતોએ દેશના નામી-અનામી અગ્નિશામક વીર શહીદોને શત્-શત્ નમન કરીને તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya