
અમરેલી,15 એપ્રિલ (હિ.સ.) અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયાના સમર્પણ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય અને ગૌરવમય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન માનનીય પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, આ સમર્પણ કાર્યાલય લોકોની સમસ્યાઓના નિવારણ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે અને જનસેવાના કાર્યને વધુ ગતિ આપશે. તેમણે સાંસદ ભરતભાઈ સુતરીયાના વિકાસલક્ષી કાર્યની પ્રશંસા કરતાં કહ્યું કે, તેઓ હંમેશા લોકોના હિત માટે પ્રતિબદ્ધ રહ્યા છે.
આ અવસરને પવિત્ર અને ગૌરવમય ગણાવતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યાલયના શુભ પ્રારંભ સાથે નવા કાર્યપ્રવાહની શરૂઆત થવા અંગે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યાલય દ્વારા વિસ્તારમાં વિકાસ, જનસંપર્ક અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે સૌએ મળીને જનહિતના કાર્યોમાં વધુ તત્પરતાથી જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai