
ગાંધીનગર, 15 એપ્રિલ (હિ.સ.): ગુજરાતની રગ્બી રમત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આગામી 16 અને 17 એપ્રિલ 2026 દરમિયાન બિહારના રાજગીર ખાતે યોજાનારી ‘સિનિયર નેશનલ મહિલા રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2026’માં ભાગ લેવા માટે ગુજરાતની સિનિયર મહિલા ટીમ ગાંધીનગરથી ઉત્સાહભેર રવાના થઈ છે.
આ ટીમનું નેતૃત્વ કેપ્ટન નમ્રતા કરી રહ્યા છે. ખેલાડીઓના મનોબળ અને રમતને વધુ ધારદાર બનાવવા માટે ટીમની સાથે મુખ્ય કોચ તરીકે વેદાંતભાઈ, મેનેજર તરીકે અજાબ અને ફિઝિયો તરીકે સંસ્કૃતિ જોડાયા છે.
રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ટીમે 2 એપ્રિલથી 14 એપ્રિલ 2026 દરમિયાન ગાંધીનગરની ઓમ લેન્ડમાર્ક સ્કૂલ ખાતે કઠિન પ્રેક્ટિસ કરી હતી. આ સઘન ટ્રેનિંગ કેમ્પમાં ખેલાડીઓની શારીરિક ફિટનેસ, ગેમ પ્લાનિંગ અને પરસ્પર તાલમેલ- ટીમ કોઓર્ડિનેશન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
રગ્બી ગુજરાતના સ્થાપક અને સચિવ ડૉ. દીપ રાવલએ ટીમને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ખેલાડીઓએ અદભૂત મહેનત અને સમર્પણ દર્શાવ્યું છે. ટીમની તૈયારી અને જીતવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. અમને પૂરો વિશ્વાસ છે કે આ ટીમ રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનીને ગુજરાતનું નામ રોશન કરશે.
નોંધનીય છે કે, ગુજરાતની આ જ મહિલા ટીમે તાજેતરમાં ડિસેમ્બર 2025માં અજમેર રાજસ્થાન ખાતે યોજાયેલી ‘વેસ્ટ ઝોન અસ્મિતા રગ્બી ચેમ્પિયનશિપ’માં રજત ચંદ્રક જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ સફળતા બાદ ખેલાડીઓનો આત્મવિશ્વાસ બમણો થયો છે.
રગ્બી ગુજરાત પરિવાર અને રમતપ્રેમીઓ તરફથી સમગ્ર ટીમને નેશનલ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ