
જામનગર, 15 એપ્રિલ (હિ.સ.) : આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ રેન્જની ટીમે દારૂના ગુનામાં ફરાર રહેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડ જિલ્લામાં દારૂબંધીના ગુનામાં નોંધાયેલા અને લાંબા સમયથી ફરાર રહેલા આરોપી શારજહા ઉર્ફે સાજીદ ઉર્ફે દંતો યુનુસ બ્લોચને જામનગર એલસીબી ટીમે બાતમીના આધારે ખીજડા મંદિર નજીકની ગલીમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી શહેરના કિશનચોક વિસ્તારમાં મકરાણી કબ્રસ્તાન પાસે રહેતો હોવાનું જાણવા મળે છે.
તે ઉપરાંત, જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી ફરાર રહેલા આરોપી સુમિત ઉર્ફે સ્ત્રી રાવત દેથડિયા (રહે. રાજકોટ)ને રાજકોટ રેન્જની ટીમે વાજડી ગામેથી ઝડપી પાડ્યો હતો. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે અનુક્રમે વલસાડ, કાલાવડ અને જેતપુર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt