જામનગરની દરેડ GIDCમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
જામનગર, 15 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરના છેવાડે આવેલા અને એશિયાના સૌથી મોટા બ્રાસ ઉદ્યોગના હબ ગણાતા દરેડ ઉદ્યોગ નગરમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ કરવાના મુદ્દે ગૌશાળા સંચાલકો અને જીઆઇડીસી એસોસિએશનના માણસો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં ત
હુમલો


જામનગર, 15 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરના છેવાડે આવેલા અને એશિયાના સૌથી મોટા બ્રાસ ઉદ્યોગના હબ ગણાતા દરેડ ઉદ્યોગ નગરમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ કરવાના મુદ્દે ગૌશાળા સંચાલકો અને જીઆઇડીસી એસોસિએશનના માણસો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ છે. વર્ષોથી ઉદ્યોગોના કચરાના નિકાલ માટે વપરાતા 'ડમ્પિંગ પોઇન્ટ'ની જગ્યા પચાવી પાડવાના આક્ષેપ સાથે બંને પક્ષે હથિયારો ઉછળ્યા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાએ ઔદ્યોગિક વસાહતમાં સલામતી અને વહીવટ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ઘટનાની વિગત મુજબ, દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા જે જગ્યાનો ઉપયોગ હંગામી ડમ્પિંગ પોઇન્ટ તરીકે કરવામાં આવે છે, ત્યાં 'મા દર્શન ગૌશાળા'ના સંચાલકો દ્વારા ગેરકાયદે દીવાલ ચણીને દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. આ જમીન સરકારી ખરાબાની છે અને તેનો વહીવટ એસોસિએશન દ્વારા એક ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યો છે. એસોસિએશનના પ્રમુખ વિષ્ણુ પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગૌશાળાના પ્રમુખ ચંદુભાઈ અને તેમના સાથીદારો દ્વારા ગૌસેવાના આડમાં અત્યાર સુધીમાં ૧૫ હજાર ચોરસ ફૂટ પૈકીની ૧૦ હજાર ચોરસ ફૂટ જમીન પર ગેરકાયદે કબજો જમાવી લેવામાં આવ્યો છે. બાકીની ૫ હજાર ચોરસ ફૂટ જમીન પર પણ કબજો કરવાના ઇરાદે ગઈકાલે રસ્તો રોકવા માટે ટ્રેક્ટર આડું મૂકી દેવામાં આવતા મામલો બિચક્યો હતો.

આ વિવાદ જ્યારે ઉગ્ર બન્યો ત્યારે ૨૫ થી ૩૦ લોકોનું ટોળું સામસામે આવી ગયું હતું. કોન્ટ્રાક્ટરનો પુત્ર શ્રેયાંશ જ્યારે સમજાવટ માટે ગયો ત્યારે ચેલા ગામના સરપંચ અને અન્ય માથાભારે શખ્સોએ તેના પર હુમલો કરી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સામસામે થયેલી આ ઝપાઝપીમાં તીક્ષ્ણ હથિયારો અને લાકડાના પટિયાનો ઉપયોગ થતા વાતાવરણ ભયભીત બની ગયું હતું. વિષ્ણુ પટેલે આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સરકારના ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ચીમકી આપી છે.

જોકે, આ હિંસક ઘટનાની સાથે સાથે જીઆઇડીસી એસોસિએશનનું આંતરિક રાજકારણ પણ ચર્ચાના એરણે ચડ્યું છે. ઔદ્યોગિક વર્તુળોમાં એવી ચર્ચા છે કે નવી રચાયેલી ૨૧ સભ્યોની કારોબારીમાં સંકલનનો અભાવ છે. જ્યારે ડમ્પિંગ પોઇન્ટ જેવી મહત્વની મિલકત પર દબાણ થઈ રહ્યું હતું અને કોન્ટ્રાક્ટરના માણસો પર હુમલો થયો, ત્યારે એસોસિએશનના ચૂંટાયેલા હોદ્દેદારો ઘટનાસ્થળેથી નદારદ રહ્યા હતા. ઉદ્યોગકારોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે પ્રતિનિધિઓની નિષ્ક્રિયતાને કારણે જ આવા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે અને લેન્ડ ગ્રેબિંગ તેમજ હુમલાના પાસાઓની ચકાસણી કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande