



કચ્છ, 15 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે વિશ્વાસ જનક અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતું LPG વહન કરતું જહાજ ‘MV Jag Vikram’ સફળતાપૂર્વક દેવભૂમિ કંડલા પોર્ટ ઓથોરિટી (DPA)ના ઓઈલ જેટી–1 પર બર્થ થયું છે. આ જહાજ સાથે 20,400 મેટ્રિક ટન LPGનો મોટો જથ્થો દેશમાં પહોંચ્યો છે, જે ઊર્જા પુરવઠાની સતતતા જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
વિશ્વ સ્તરે અતિ સંવેદનશીલ ગણાતા હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતી જહાજોની અવરજવર પર તાજેતરમાં તણાવના કારણે અનિશ્ચિતતા ઊભી થઈ હતી. આવા સમયમાં ‘MV Jag Vikram’નું સુરક્ષિત રીતે આ માર્ગ પાર કરી ભારત સુધી પહોંચવું દેશ માટે એક મોટી વ્યૂહાત્મક સફળતા માનવામાં આવી રહી છે. જહાજે 11 એપ્રિલે હોર્મુઝ જળમાર્ગ સફળતાપૂર્વક પાર કર્યો હતો અને ત્યારબાદ સતત મુસાફરી કરીને અંતે કંડલા બંદરે બર્થ થયું છે.
આ જહાજમાં 24 ભારતીય નાવિકો સવાર હતા, જેમણે સમગ્ર સફર દરમિયાન સુરક્ષિત રીતે કામગીરી બજાવી. તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે પણ તેમની સલામતી જાળવવામાં સફળતા મળવી એ ભારતની મજબૂત મેરિટાઇમ સંકલન ક્ષમતાનું પ્રતિબિંબ છે. સમગ્ર મુસાફરી દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના નોંધાઈ ન હોવી પણ સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
‘MV Jag Vikram’ દ્વારા લાવવામાં આવેલ 20,400 મેટ્રિક ટન LPG દેશના ઘરેલું અને ઔદ્યોગિક ઊર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠા અંગેની અનિશ્ચિતતા વચ્ચે આ જથ્થો સમયસર દેશમાં પહોંચે છે તે દર્શાવે છે કે ભારત પોતાની સપ્લાય ચેનને મજબૂત રીતે સંચાલિત કરી રહ્યું છે.
કંડલા બંદર પર જહાજનું સફળ બર્થિંગ માત્ર એક લોજિસ્ટિક સિદ્ધિ નથી, પરંતુ તે દેશની ઊર્જા સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંકલન અને સંકટ વ્યવસ્થાપનની ક્ષમતાનું પ્રતિક છે. ગલ્ફ વિસ્તારમાં ચાલતી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે પણ ભારતે પોતાની જરૂરિયાતોને સંતુલિત રીતે પૂરી કરવાની દિશામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.
આ રીતે ‘MV Jag Vikram’નું સુરક્ષિત આગમન અને બર્થિંગ દેશ માટે એક મજબૂત સંદેશ આપે છે કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારત પોતાની ઊર્જા લાઈફલાઈનને સ્થિર અને સક્રિય રાખવામાં સક્ષમ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar