

કચ્છ, 15 એપ્રિલ (હિ.સ.) : નખત્રાણા શહેરના મણીનગર વિસ્તારમાં નગરપાલિકા કચેરીની સામે જ ઘાસથી ભરેલી એક ટ્રકમાં અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સૂકા ઘાસના કારણે આગે ક્ષણોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આગ લાગ્યાની ઘટના બનતા જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને પોતાના સ્તરે પાણી, માટી અને અન્ય સાધનો વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં, ઘાસ સૂકું હોવાને કારણે આગ ઝડપથી ફેલાતી રહી અને પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ.
ખાસ નોંધનીય વાત એ છે કે, ઘટના સ્થળે કોઈપણ પ્રકારની ફાયર બ્રિગેડની તાત્કાલિક વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નખત્રાણાને નગરપાલિકા દરજ્જો મળ્યા પછી ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ફાયર સેફ્ટી જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, આ પહેલા પણ નખત્રાણા વિસ્તારમાં નાના-મોટા આગજનીના બનાવો બનતા રહે છે, પરંતુ ફાયર બ્રિગેડ જેવી જરૂરી સુવિધાઓના અભાવે સમયસર નિયંત્રણ મેળવી શકાતું નથી. આવા બનાવો ભવિષ્યમાં વધુ મોટું નુકસાન કરી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બનાવે નગરપાલિકાની કામગીરી અને તૈયારી પર અનેક સવાલો ઉભા કર્યા છે. લોકોની માંગ છે કે, તાત્કાલિક ફાયર સ્ટેશન, પાણીના ટાંકા અને અન્ય જરૂરી સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી આવી દુર્ઘટનાઓમાં જાનહાનિ અને માલમત્તાનું નુકસાન ટાળી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar