
અમરેલી, 15 એપ્રિલ (હિ.સ.) :
અમરેલી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દામનગર ખાતે મોટો દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જિલ્લામાં દારૂની રેલમછેલ થવાની આશંકાને પગલે SMC ત્રાટકી હતી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરી હતી.
માહિતી મુજબ દામનગરના ગુરુકુળ પાછળ આવેલા એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઠલવવામાં આવતો હતો, ત્યારે SMCની ટીમે અચાનક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન કુલ 7686 બોટલો વિદેશી દારૂની જપ્ત કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 57 લાખ 89 હજાર જેટલી થાય છે.
આ કાર્યવાહી દરમિયાન SMCએ ચાર વાહનો સાથે કુલ 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં દામનગરના 2 અને બોટાદ જિલ્લાના 2 સહિત કુલ 6 આરોપીઓનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં દામનગર પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે, કારણ કે સ્થાનિક પોલીસ અજાણ રહી હતી અને SMC દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા બાદ અમરેલી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. SMCની આ કાર્યવાહીથી ચૂંટણી પહેલા ગેરકાયદેસર દારૂના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ તંત્ર હવે વધુ સતર્ક બની આગળની કાર્યવાહી માટે સજ્જ થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai