
મહેસાણા, 15 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા એમ.એન.કોલેજ, વિસનગર દ્વારા State Voter’s Awareness Program (SVAP) અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એન.એસ.એસ. યુનિટ દ્વારા આયોજિત આ અભિયાનનો મુખ્ય હેતુ લોકશાહી પ્રત્યે નાગરિકોની ભાગીદારી વધારવાનો રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કોલેજ પરિસરમાં સ્વયંસેવકો દ્વારા આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જેમાં ‘મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે’ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોલેજના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ નિષ્પક્ષ અને ફરજિયાત મતદાન માટે શપથ ગ્રહણ કર્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાગૃતિ ફેલાવવા માટે સ્વયંસેવકો વિસનગર તાલુકાના કંસારાકુઇ ગામે પહોંચ્યા હતા. અહીં તેમણે ગ્રામજનો અને યુવાનોને લોકશાહીમાં એક-એક મતના મહત્વ વિશે સમજાવી મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.
યુવાનોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે રસ વધારવા ઓનલાઇન ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર અભિયાન દ્વારા મતદાન અંગે સકારાત્મક સંદેશ પ્રસરાવવામાં સફળતા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR