
- વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે પણ રાજ્ય સરકાર અને GGL દ્વારા ઉદ્યોગોને ગેસ સપ્લાય સુનિશ્ચિત કરાયો
ગાંધીનગર, 15 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત ગેસ લિમિટેડ (GGL) મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના અધિકૃત સપ્લાયર તરીકે કાર્યરત છે. મોરબીના સિરામિક ઉદ્યોગની ગેસની જરૂરિયાતોને પહોંચી વળવા કંપનીએ વર્ષોથી એક અત્યાધુનિક અને વ્યાપક વિતરણ નેટવર્ક ઊભું કર્યું છે.
GGL દ્વારા જારી કરાયેલ યાદી મુજબ, ફેબ્રુઆરી-૨૦૨૬ની કટોકટી પૂર્વે મોરબીમાં ૩૭૭ ગ્રાહકો GGL ના PNG નો ઉપયોગ કરી રહ્યા હતા. તેની સરખામણીમાં, લગભગ ૪૧૫ ગ્રાહકો IOCL, BPCL અને HPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા પ્રોપેન પર નિર્ભર હતા. આ ગ્રાહકો દૈનિક અંદાજે ૫.૬ MMSCMD (નેચરલ ગેસ સમકક્ષ) ઈંધણનો વપરાશ કરતા હતા, જેનો અર્થ છે કે, કુલ જરૂરિયાતનો આશરે ૭૦% હિસ્સો પ્રોપેન દ્વારા પૂરો થતો હતો.
માર્ચ-૨૦૨૬ની શરૂઆતમાં GGL નો સપ્લાય વધ્યો હતો, પરંતુ યુએસ-ઈરાન યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે એલએનજી (LNG) પુરવઠામાં વિક્ષેપ પડ્યો હતો. ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ, GGL એ સપ્લાયમાં કાપ મૂકીને તેને પાછલા છ મહિનાના સરેરાશ વપરાશના ૮૦% જેટલો નિર્ધારિત કર્યો હતો.
વૈશ્વિક કટોકટીને કારણે વધતા ઉત્પાદન ખર્ચ, પ્રોપેન પરના નિયંત્રણો અને ફ્રેટ દરોમાં વધારાને લીધે સિરામિક ઉત્પાદકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી, જેના પરિણામે માર્ચના મધ્યથી અનેક એકમોએ સ્વેચ્છાએ પ્લાન્ટ બંધ કર્યા હતા. વધતા ભાવો છતાં, ઉદ્યોગોને ટેકો આપવા માટે GGL એ પ્રોપેનને બદલે કુદરતી ગેસનો વધારાનો સપ્લાય પૂરો પાડવા સિરામિક ઉત્પાદકો સાથે સઘન ચર્ચાઓ કરી હતી. એપ્રિલ-૨૦૨૬માં GGL એ સરકારી ધોરણો મુજબ ગેસ વિતરણ ચાલુ રાખ્યું અને મધ્ય-પૂર્વ સિવાયના અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાંથી તત્કાલીન ભાવે ગેસનો પૂરતો જથ્થો મેળવી ઉદ્યોગની જરૂરિયાત પૂરી કરી છે.
વધુમાં યાદીમાં જણાવાયું છે કે, GGL અને મોરબી સિરામિક એસોસિએશનના સંયુક્ત પ્રયાસોને લીધે હાલમાં ૧૪૨ સિરામિક એકમો કાર્યરત થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં LNG ના ભાવ $૧૮-૨૦ ડોલર પ્રતિ MMBtu જેટલા ઊંચા હોવા છતાં, GGL ઉદ્યોગને સહયોગ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. GGL ની ટીમો સતત સિરામિક એસોસિએશન સાથે સંકલનમાં છે, જેથી ભાવ અને પુરવઠાના પ્રશ્નો ઉકેલી શકાય. વર્તમાન પડકારો વચ્ચે GGL મોરબીના સિરામિક ઉદ્યોગની સાથે અડગ રીતે ઊભું છે. પરસ્પર વિશ્વાસ દ્વારા આપણે આ મુશ્કેલીઓ પાર કરી ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જઈશું, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ