
વલસાડ, 15 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા દમણ ખાતેથી ચોરીછૂપીથી બજાજ ઓટો રીક્ષા મારફતે લઈ જવાતો વિપુલ પ્રમાણનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ. 3,20,084નો મુદ્દામાલ જપ્ત કરી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા (IPS) તથા સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS)ના માર્ગદર્શન હેઠળ LCB દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમીના આધારે ભગોદ ગામ નજીક કોસ્ટલ હાઈવે પર રામજી મંદિર પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી.
અહીં એક કાળા-પીળા રંગની બજાજ ઓટો રીક્ષા (નં. GJ-15-AU-4291)ને રોકી તપાસ કરતા, રીક્ષાની પાછળની સીટ તથા ડ્રાઈવર સીટ નીચે છુપાવવામાં આવેલ થેલીઓમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં કુલ 906 નંગ (245.570 લિટર) વ્હીસ્કી અને બીયરના ટીન/બોટલ મળી આવ્યા, જેની કિંમત રૂ. 2,70,084 ગણાય છે. ઉપરાંત રીક્ષા કિંમત રૂ. 50,000 મળી કુલ મુદ્દામાલ રૂ. 3,20,084 જપ્ત કરવામાં આવ્યો છે.આ મામલે રીક્ષામાં બેઠેલી મયુરીબેન મહેશભાઈ કોળી પટેલ (ઉ.વ.36, રહેવાસી કકવાડી-દાંતી, વલસાડ)ને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે રીક્ષા ચાલક માનસિંગ ચીતબહાલસિંહ તથા કાજલબેન રીતેશભાઈ પટેલ ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
આ અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી એલ.સી.બી.ના પો.ઈન્સ. એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જે.જી. વસાવા સહિત સ્ટાફની ટીમે સફળતાપૂર્વક અંજામ આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha