
વાપી,15 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ઘોષણા સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. વાપી મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રચાર-પ્રસારને વેગ આપતા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.આજરોજ ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે વાપી મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડના ચૂંટણી કાર્યાલયોના વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા.ઉદ્ઘાટન પ્રસંગે કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળવો એ વિકાસ માટેનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. મહાનગરપાલિકા બનવાથી શહેરના વિકાસ માટેના બજેટમાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે રસ્તા, પાણી, ગટર અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ સાથે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પણ ગતિ મળશે.તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસ અને જનસેવાના મંત્ર સાથે કાર્ય કરતી રહી છે. આગામી સમયમાં વાપીના તમામ 13 વોર્ડમાં જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે અને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પાર્ટી પ્રતિબદ્ધ છે.આ પ્રસંગે વાપી શહેર પ્રમુખ મનીષ દેસાઈ, વી.આઈ.એ.ના પ્રમુખ સતિષ પટેલ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ સમય પટેલ, પારડી શહેર પ્રમુખ વિપુલ પટેલ સહિત સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન કનુ દેસાઈએ કાર્યકરોમાં ઉત્સાહ ભરી જીતના સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા આહવાન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha