

વાપી, 15 એપ્રિલ (હિ.સ.) : વાપી શહેરમાં પડી રહેલી તીવ્ર ગરમીનો પ્રભાવ હવે દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પણ જોવા મળી રહ્યો છે. વાપીના મામલતદાર કચેરી અને નવા શરૂ થયેલા ટ્રાફિક પોલીસ સ્ટેશન સામે હાઈવેનો ડામર ગરમીના કારણે પિઘળવા લાગ્યો છે, જેના કારણે રસ્તાની હાલત અત્યંત ખરાબ અને જોખમી બની ગઈ છે.
આ માર્ગ માત્ર સ્થાનિક ટ્રાફિક માટે જ નહીં પરંતુ મુંબઈ અને અમદાવાદને જોડતો મુખ્ય નેશનલ હાઈવે હોવાથી અહીં રોજ હજારો વાહનોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં રસ્તો પિઘળી જવાથી વાહનચાલકો માટે ગંભીર જોખમ ઉભું થયું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડામર એટલો નરમ થઈ ગયો છે કે વાહનોના ટાયર તેમાં ધસાઈ જાય છે અને વાહનનું સંતુલન બગડવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને બાઈક સવાર માટે આ માર્ગ ‘મોતનો રસ્તો’ બની ગયો છે. અનેક બાઈક સવાર ફિસલીને પડી જવાની ફરિયાદો પણ સામે આવી રહી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. દિવસભર ભારે વાહનવ્યવહાર અને હાઈ-સ્પીડ મૂવમેન્ટને કારણે અહીં ક્યારે પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। જો કોઈ વાહન અચાનક ફિસલે તો પાછળથી આવતાં ઝડપી વાહનો સાથે અથડામણનો ખતરો પણ વધી જાય છે.
સ્થાનિક નાગરિકોએ તંત્ર અને સંબંધિત વિભાગને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. લોકોનું કહેવું છે કે આ માત્ર એક રસ્તાની સમસ્યા નથી પરંતુ દેશના મુખ્ય નેશનલ હાઈવેની સુરક્ષાનો પ્રશ્ન છે, જેને લઈ તાત્કાલિક મરામત જરૂરી બની ગઈ છે.હવે જોવાનું એ રહેશે કે તંત્ર સમયસર કાર્યવાહી કરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha