
અમરેલી/અમદાવાદ, 15 એપ્રિલ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના લીલીયા ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કરી હતી. જગદીશ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાતિવાદ, પ્રાંતવાદ અને જ્ઞાતિવાદને બાજુએ મૂકી વિકાસની રાજનીતિને પ્રાથમિકતા આપી છે. આજે ગુજરાતના 16 હજારથી વધુ ગામડાઓમાં એક પણ ગામ એવું નથી જ્યાં માર્ગ કનેક્ટિવિટી ન હોય. આજે ગુજરાતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બન્યું છે.
તેમણે જણાવ્યું કે, આજથી 25 વર્ષ પહેલાંનું ગુજરાત અને સૌરાષ્ટ્રની પરિસ્થિતિ બધાને યાદ છે. તે સમયગાળામાં ટ્રેનોમાં પાણી લાવવાના દિવસો હતા. કોંગ્રેસે 60 વર્ષ સરદાર સરોવર ડેમ પૂર્ણ થવા દીધો નહિ.
તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત કેન્દ્ર સરકારને ડેમની ઊંચાઈ વધારવા પત્રો લખતા રહ્યા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી પહોંચાડવા માટે સંઘર્ષ કર્યો. તેમણે ઉમેર્યું કે, એક મુખ્યમંત્રી પોતાના પ્રજાના હક્ક માટે ઉપવાસ પર બેઠા છતા કોંગ્રેસને દયા ન આવી. પ્રધાનમંત્રી પ્રથમ વખત સત્તામાં આવ્યા ત્યારે માત્ર 17 દિવસમાં સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી.
જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માત્ર એકવાર નહીં પરંતુ ત્રણ વખત દેશના પ્રધાનસેવક બનવાની તક આપી છે. એક મતની તાકાત કેટલી હોય છે તે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલ જનકલ્યાણના, વિકાસ અને દેશની સુરક્ષા માટે થયેલા ઐતિહાસિક કાર્યો થકી જનતાએ મહેસૂસ કરી છે. તેમણે કહ્યું ન કે જનતાનો એક વોટ આતંકવાદને હરાવી શકે છે, સર્જીકલ-એરસ્ટ્રાઈક કરાવી શકે છે, એક મત સરદાર સરોવર ડેમથી સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડી શકે છે, એક મત 'નળ સે જળ' યોજનાથી પાણી લાવી શકે છે.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં વધુ સ્થળાંતર થતું હતું, જ્યારે આજે ખેડૂતો એક કરતાં વધુ પાક લઈ રહ્યા છે. કોંગ્રેસે ફક્ત ખોટા વચનો, ભ્રષ્ટાચાર અને જનતાને ભ્રમિત કરવાનું જ કામ કર્યું છે,આજની પરિસ્થિતિ એવી છે કે રાજ્યભરમાં ભાજપાના હજારો ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવાર નથી અને જે છે તેમાંથી અનેકે ચુંટણી લડવા ઇનકાર કરી ફોર્મ પાછા ખેંચ્યા છે. કોંગ્રેસને પોતાના ઉમેદવારોને અન્ય જગ્યાએ સંતાડીને રાખવા પડે છે.
તેઓએ જણાવ્યું કે, સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ચેકડેમો અને તળાવો ભરવાના ઐતિહાસિક કાર્ય થયા છે. ખેડૂતોને સહાયરૂપ થવા માટે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ દરમિયાન રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું તેમજ ટેકાના ભાવે 15 હજાર કરોડ રૂપિયાની ખરીદી કરી છે. તેમણે ઉમેર્યું કે, અગાઉ મહિલાઓને માથે બેડા ઉંચકી પાણી માટે દૂર જવું પડતું હતું, પરંતુ “નળ સે જળ” યોજના દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, આજે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં 24 કલાક વિજળી ઉપલબ્ધ છે. સોલર પેનલ લગાવવાથી લાખો પરિવારોને વીજળીના બિલમાંથી મુક્તિ મળી છે અને રાજ્યમાં 11 લાખથી વધુ સોલર પેનલ સ્થાપિત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં
કરોડો શૌચાલયો બનાવવામાં આવ્યા છે અને ઉજ્વલા યોજના દ્વારા માતા-બહેનોને ધુમાડાથી મુક્તિ આપી મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. તેમજ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે.
જગદીશ વિશ્વકર્માએ ભાજપા તરફી મહત્તમ મતદાન કરવા નાગરિકોને અપીલ કરી હતી અને જનતા વિકાસ અને ભાજપાને સમર્થન દર્શાવી ભાજપાના સૌ ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે લીલીયા તાલુકાના કોંગ્રેસના આગેવાન જીવરાજ પોતાના સેંકડો સમર્થકો સાથે ભાજપની વિચારધારાથી પ્રેરાઈ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેરી પક્ષમાં વિધિવત જોડાયા હતા.
આ કાર્યક્રમમાં સ્થાનિક સંગઠનનાં પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ