
સુરત, 15 એપ્રિલ (હિ.સ.) : સુરતના ડુમસ રોડ સ્થિત વુપ એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકો રજત મહીન્દુ અને નિશા મહીન્દુ સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, બંનેએ કંપનીમાં ભાગીદારી આપવાના બહાને એક વ્યકિત પાસેથી મોટી રકમ મેળવ્યા બાદ વચન પૂરા કર્યા નથી. કેસમાં વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજોના ઉપયોગના આક્ષેપો સામેલ છે.
ફરિયાદી સદાનંદ મંધ્યાનના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ સાથેના દસ વર્ષ જૂના પારિવારિક સંબંધનો લાભ લઈને તેમને રોકાણ કરવા પ્રેરાયા હતા. આરોપીઓએ બેંગલુરુમાં નવા ગેમઝોન પ્રોજેક્ટ માટે નાણાંની જરૂર હોવાનું કહી 25 ટકા શેર આપવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસ પર ફરિયાદીએ તબક્કાવાર રીતે કુલ 6.75 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપીઓએ શેર ટ્રાન્સફર સંબંધિત કાગળો અને સહીવાળા દસ્તાવેજો આપી વિશ્વાસ વધાર્યો હતો. છતાં, પછીથી જાણવા મળ્યું કે આ દસ્તાવેજોમાં ખામીઓ હતી અને શેર સર્ટિફિકેટમાં પણ જરૂરી વિગતો ગેરહાજર હતી. આરોપીઓએ વચન મુજબના 25,000 શેર આપવાને બદલે વિવિધ બહાના આપી મામલો ટાળ્યો હતો.
તપાસ દરમિયાન ખુલ્યું કે આ સમગ્ર શેર ટ્રાન્સફરની કોઈ સત્તાવાર નોંધણી ROCમાં કરવામાં આવી જ નહોતી. ફરિયાદી મુજબ, કરોડો રૂપિયા મેળવ્યા બાદ પણ તેમને કાયદેસર હિસ્સેદાર બનાવવામાં આવ્યા નહોતા અને પછી કંપનીમાંથી પણ દૂર રાખવામાં આવ્યા હતા. વેસુ પોલીસે ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે