
રાજકોટ,15 એપ્રિલ (હિ.સ.) રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને યુવા મતદારોમાં જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના અંતર્ગત વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા હતાં.
સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
યુવાનોએ લોકશાહીમાં મતના મહત્વ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં નાગરિકોની ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતાધિકારના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિતોએ મતદાન કરવાના શપથ લીધા હતાં.
આ ચૂંટણીલક્ષી જાગૃતિ અભિયાન હેઠળ ધોરાજીની શ્રી કે.ઓ.શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ
કોલેજ ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. યુવાઓએ મતદાન કરવાના સંકલ્પ સાથે કોઈપણ લોભ-લાલચ વગર મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ ઉપરાંત, જેતપુરની શ્રી જી.કે.એન્ડ સી.કે.બોસમિયા કોલેજ ખાતે આજ રોજ એન.એસ.એસ.
(નેશનલ સર્વિસ સ્કીમ) વિભાગ દ્વારા શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને અન્ય વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે મતદાન જાગૃતિ અંગેના શપથ લીધા હતા. આમ, રાજકોટ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યુવા પેઢીને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ