
નવી દિલ્હી, 02 એપ્રિલ (હિ.સ.) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, બુધવારે આપેલા પોતાના ભાષણથી પશ્ચિમ એશિયામાં સીઝફાયર થવાની આશા પર ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. તેના કારણે આજે ગ્લોબલ માર્કેટમાંથી ગભરાટના સંકેતો મળી રહ્યા છે. જોકે ટ્રમ્પનું નિવેદન આવતાં પહેલાં જ અમેરિકન બજાર બંધ થઈ ગયાં હોવાથી છેલ્લા સત્ર દરમિયાન વોલ સ્ટ્રીટના સૂચકાંકોમાં મજબૂતી જોવા મળી હતી. પરંતુ નિવેદન બાદ ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે ઘટાડા સાથે ટ્રેડ થતો દેખાઈ રહ્યો છે. યુરોપિયન બજારો પણ ગયા સત્ર દરમિયાન વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. જ્યારે એશિયાઈ બજારમાં આજે ચોતરફ વેચવાલીનો દબાણ જોવા મળી રહ્યું છે.
પશ્ચિમ એશિયાના સંકટ અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પહેલાં વોલ સ્ટ્રીટમાં યુદ્ધ જલ્દી સમાપ્ત થવાની આશા હતી, જેના કારણે અમેરિકન બજારો ગયા સત્ર દરમિયાન મજબૂતી સાથે ટ્રેડ કરતા નજરે પડ્યા હતા. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 0.72 ટકા વધીને 6,575.32 અંકના સ્તરે બંધ થયો. એ જ રીતે નૈસ્ડેક 250.32 અંક એટલે કે 1.16 ટકા ઉછળી 21,840.95 અંકના સ્તરે બંધ થયો. જ્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સ હાલમાં 430.95 અંક એટલે કે 0.93 ટકા ઘટીને 46,134.79 અંકના સ્તરે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ જલ્દી બંધ થવાની આશા વચ્ચે યુરોપિયન બજારમાં પણ ગયા સત્ર દરમિયાન તેજીનો માહોલ રહ્યો હતો. એફટીએસઇ ઇન્ડેક્સ 188.34 અંક એટલે કે 1.82 ટકા ઉછળી 10,364.79 અંકના સ્તરે બંધ થયો. એ જ રીતે સીએસી ઇન્ડેક્સ 164.33 અંક એટલે કે 2.06 ટકા વધી 7,981.27 અંકના સ્તરે બંધ થયો. ઉપરાંત ડીએએક્સ ઇન્ડેક્સ 618.85 અંક એટલે કે 2.66 ટકા વધીને 23,298.89 અંકના સ્તરે બંધ થયો.
એશિયાઈ બજારમાં આજે ચોતરફ દબાવ જોવા મળી રહ્યો છે. એશિયાના તમામ નવ બજારના સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 512 અંક એટલે કે 2.24 ટકા ના મોટા ઘટાડા સાથે 22,339 અંકના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે સ્ટ્રેટ્સ ટાઇમ્સ ઇન્ડેક્સ 0.78 ટકા ઘટીને 4,937.04 અંકના સ્તર સુધી આવી ગયો છે. કોસ્પી ઇન્ડેક્સમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે અને હાલમાં તે 241.87 અંક એટલે કે 4.41 ટકા ઘટીને 5,236.83 અંકના સ્તરે પહોંચી ગયો છે.
તે જ રીતે નિક્કેઈ ઇન્ડેક્સ 1,194.68 અંક એટલે કે 2.22 ટકા ઘટીને 52,545 અંકના સ્તરે પહોંચ્યો છે. ઉપરાંત તાઇવાન વેઇટેડ ઇન્ડેક્સ 474.52 અંક એટલે કે 1.43 ટકા ઘટીને 32,700.30 અંકના સ્તરે, જકાર્તા કોમ્પોઝિટ ઇન્ડેક્સ 82.67 અંક એટલે કે 1.15 ટકા ઘટીને 7,101.77 અંકના સ્તરે, હેંગ સેંગ ઇન્ડેક્સ 267.03 અંક એટલે કે 1.06 ટકા ઘટીને 25,027 અંકના સ્તરે, શાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 0.53 ટકા ઘટીને 3,927.60 અંકના સ્તરે અને સેટ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 0.18 ટકા ની પ્રતીકાત્મક કમજોરી સાથે 1,468.28 અંકના સ્તરે ટ્રેડ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ