સેલવાસના નાઇટ્રોજન ગેસના સિલિન્ડરના ગોડાઉનમાં બ્લાસ્ટ,3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત
વલસાડ,04 માર્ચ (હિ.સ.) કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. સેલવાસમાં આવેલા એક નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં અચાનક ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના કરુણ મોત
સેલવાસના નાઇટ્રોજન ગેસના સિલિન્ડરના ગોડાઉનમાં બ્લાસ્ટ,3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત


વલસાડ,04 માર્ચ (હિ.સ.) કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. સેલવાસમાં આવેલા એક નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં અચાનક ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના કરુણ મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના હૃદય સમાન સેલવાસના ડેમ વિસ્તારની નજીકમાં આવેલ નાઇટ્રોજન ગેસના એક ગોડાઉનમાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ થતા સમગ્ર પંથક ધ્રૂજી ઉઠ્યો હતો. આ દુર્ઘટનાએ ઉદ્યોગ જગત અને સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.

અત્યંત ચોંકાવનારી વિગત એ છે કે, આ મોતના ગોડાઉન જેવું જોખમી એકમ એક શૈક્ષણિક સંકુલ એટલે કે સ્કૂલથી માત્ર 30 મીટરના જ અંતરે જ આવેલું હતું. જો આ બ્લાસ્ટ ચાલુ શૈક્ષણિક કલાકો દરમિયાન થયો હોત, તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત તેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેમ છે.

ગોડાઉનમાં થયેલો વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ત્યાં ફરજ બજાવી રહેલા અને શ્રમ કરી રહેલા 3 શ્રમિકોના લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અને 8 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મૃતકોના પરિવારોમાં કાળો કલ્પાંત છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર, પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ગેસ ગોડાઉનમાં આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજને કારણે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા સેવાઈ રહી છે.

હાલમાં ફાયર વિભાગ અને ફોરેન્સિક ટીમો દ્વારા નમૂના લઈ તપાસ તેજ કરવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાદરા અને નગર હવેલીના ફાયર ફાઈટરના જવાનો તાબડતોબ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની સાથે વધુ જાનહાનિ અટકાવવા માટે સઘન તપાસ અને કામગીરી હાથ ધરી છે.

દાદરા નગર હવેલીના કલેક્ટર પ્રયાંક કિશોરે આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તપાસ ચાલી રહી છે એફએસલ ટીમ આવી રહી છે. અહીં ગેસ એજન્સી ચાલી રહી હતી. ઓક્સિજન સપ્લાય કરતી હતી. આ ઉપરાંત બીજા પણ વિવિધ ગેસ સપ્લાય કરતી હતી તે કેવા પ્રકારનો ગેસ સપ્લાય કરતી અને આ કેવા ગેસથી બ્લાસ્ટ થયો છે તેની તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી અમે વધારે કશું કહી શકીએ તેમ નથી. હાલ 8 લોકોને હોસ્પિટલ શિફ્ટ કરાયા છે. જો ગોડાઉન ગેરકાયદેસર હશે તો એક્શન લઈશું.

આ ઘટનાને નજરે જોનાર સ્થાનિકએ જણાવ્યું હતું કે, 'અમે સવાર અહીં ઊભા હતા ઓટલા પર, અમને જોરદાર બ્લાસ્ટનો અવાજ સંભળાયો અમે તો ભાગ્યા ત્યાં તો પાછથી કંઈક ઊડીને આવ્યું, અમારા મકાનના બારીના અને પાર્ક કરેલી ગાડીના કાચ તોડી નાખ્યા, ઘણું નુકસાન થયું. અમે ગભરાઈને ભાગી ગયા, કશું દેખાતું નહોતું. બાટલા ફાટીને ઉછળીને પડ્યા હતા અમે માંડ બચ્યા છીએ'

આ પ્રચંડ બ્લાસ્ટ અને ત્રણ-ત્રણ માનવ જિંદગીઓ હોમાઈ જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોમાં આ પ્રકારના જોખમી ગોડાઉનોની મંજૂરી સામે પણ અનેક સવાલો અને રોષ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande