
અમરેલી, 04 મે (હિ.સ.) અમરેલી શહેર નજીક ગાવડકા રોડ પર કાર અને એસટી બસ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂરચૂર થઈ ગયો હતો અને અંદર બેઠેલ વ્યક્તિ કારમાં જ ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ભારે મહેનત બાદ કારના કચડાયેલા ભાગને કાપીને અંદર ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ કાર અને એસટી બસ વચ્ચે અથડામણ જોરદાર થતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતને પગલે વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ રોડ સલામતી અંગે ગંભીરતા દાખવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી અને વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai