
આણંદ, 04 મે (હિ.સ.) આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખતા ભવ્ય જીત નોંધાવી છે. બીજી તરફ હાર બાદ કોંગ્રેસના ઉમેદવારે EVM સામે સવાલો ઊભા કર્યા છે.
ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ ગોવિંદભાઈ પરમારે જોરદાર પ્રદર્શન કરતા 30,000થી વધુ મતોના મોટા અંતરથી વિજય મેળવ્યો છે. પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદભાઈને ટિકિટ આપી હતી, જેમણે પક્ષનું વર્ચસ્વ યથાવત્ રાખ્યું છે.
કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે હાર સ્વીકારતા સાથે જ EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી પરિણામમાં ગડબડની શક્યતા છે અને હારનું મુખ્ય કારણ EVM હોઈ શકે છે. મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જે હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.
23 એપ્રિલે યોજાયેલી આ પેટાચૂંટણીમાં અંદાજે 59.04 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં મુખ્ય ટક્કર ભાજપના હર્ષદભાઈ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે રહી હતી.આ બેઠક પર આશરે 2.45 લાખ મતદારો માટે 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે આ પરિણામો પર સૌની નજર ટકેલી હતી.
ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકથી અચાનક નિધન થયું હતું, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી. પક્ષે સહાનુભૂતિ અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને તેમના પુત્ર હર્ષદભાઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જે હવે જીત સાથે સફળ સાબિત થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે